• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

નખત્રાણાના પીજીવીસીએલનાં ગોદામમાંથી ચોરાયેલા વાયરનું પગેરું અ'વાદ સુધી દબાયું

નખત્રાણા, તા. 8 : અહીં અર્ચના સ્કૂલ પાસેના પીજીવીસીએલનાં ગોદામમાંથી રૂા. 8.40 લાખના વાયરની ચોરીનો ભેદ નખત્રાણા પોલીસે ઉકેલી લીધો છે. ચોરીનો માલ ભરી જતા ટેમ્પા સહિત રૂા. 13.45 લાખનો મુદ્દામાલ સીસીટીવી કેમેરાના આધારે અમદાવાદથી પકડી પાડયો છે. ગત ગુરુવારે શ્રાવણી સાતમની રાત્રિ દરમ્યાન અહીંની અર્ચના સ્કૂલ પાસે  પશ્ચિમ કચ્છ ગુજરાત વીજ કંપની લિમિટેડના આવેલા ખુલ્લા ગોડાઉનમાંથી ચોરાયેલા એલ્યુમિનિયમ વીજ વાયરના અલગ અલગ સાઇઝના ફીંડલા જેનું કુલ વજન આશરે 4580 કિ.ગ્રા. જેની કિંમત રૂા. 8.40 લાખ ચોરીનો માલ ભરી જતો આઇસર કંપનીનો ટેમ્પો જેના રજિ. નં. જી.જે.-14-ઝેડ.-5797વાળો જેની કિં.રૂા. પાંચ લાખ તથા ચોરી કામમાં ગુનેગાર દ્વારા ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ ફોન જેની કિં.રૂા. પાંચ હજાર એમ કુલ્લે રૂા. 13,45,000નો મુદ્દામાલ નખત્રાણા પોલીસે સી.સી. કેમેરાના આધારે પગેરું દબાવી ચોરાયેલ માલ અમદાવાદમાં વેચવા લઇ જતા ટેમ્પા સાથે સુરેશ રામકિશન કુમાવત (ઉ.વ. 21, મૂળ રહે. અંબરગઢ, જિ. ભીલવાડા-રાજસ્થાન હાલે નાના ચિલોડા-અમદાવાદ)ને પકડી જેલ હવાલે કરાયા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે ચોરી પ્રકરણમાં સંડોવાયેલા પકડવાના બાકી ગુનેગાર રામકુમાર કુમાવત (રે. નાના ચિલોડા-અમદાવાદ), યશપાલસિંગ નેનોસિંગ રાજપૂત (રે. અમદાવાદ), બાબુ રાવત (રે. બ્યાવર-રાજસ્થાન) તથા સરાજ અનવર કઠાત, બાબુ કઠાત, કાળુ શિવા (રે. ત્રણેય અર્ચના સ્કૂલની બાજુમાં આવેલા વાડામાં-નખત્રાણા, મૂળ રહે. અજમેર-રાજસ્થાન)ને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ ચોરીની શોધનની કામગીરીમાં પીઆઇ એ. એમ. પટેલના માર્ગદર્શન હેઠળ એએસઆઇ જયંતીભાઇ માજીરાણા, શબ્બીરઅલી બાયડ, હે.કો. મોહનભાઇ આયર, નરેન્દ્રસિંહ સોઢા, મોહનભાઇ ગઢવી, મીતકુમાર પટેલ જોડાયા હતા. 

Panchang

dd