• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

દીકરીઓ સમાન સાક્ષર બને ત્યારે જ ખરો વિકાસ

8મી સપ્ટેમ્બરે વિશ્વ સાક્ષરતા દિવસ નિમિત્તે કચ્છમિત્રમાં પ્રસિદ્ધ ખાસ અહેવાલનું તારણ ચિંતાજનક છે. કચ્છમાં સાક્ષરતાદરનાં પ્રમાણમાં સમયાંતરે વધારો નોંધાયો છે એ ખરું, પણ ગ્રામીણ ત્રી સાક્ષરતાદરની નબળી સ્થિતિ સૂચવે છે કે, આપણી શિક્ષણ વ્યવસ્થા-સમાજ વ્યવસ્થામાં હજુ ઘણું ખૂટી રહ્યું છે. જિલ્લામાં 1961થી 2011 સુધીના પાંચ દાયકામાં સાક્ષરતાદરમાં ચાર ગણો વધારો થયો, હજુ નવી વસ્તી ગણતરીના આંકડા જાહેર થયા પછી વધુ ઉજળું ચિત્ર હોવાની ધારણા બાંધવામાં આવી રહી છે. અલબત્ત, પુરુષ અને મહિલા શિક્ષણદરમાં મોટો તફાવત ખૂંચે છે. અહેવાલ મુજબ પાંચ દાયકામાં મહિલા સાક્ષરતાદર 48.59 ટકાથી વધીને 61.62 ટકા પહોંચ્યો હોવા છતાં 2011ની ગણતરી મુજબ પુરુષ અને ત્રી સાક્ષરતા વચ્ચે 19 ટકા જેટલો જંગી તફાવત છે. સૂત્રો કહે છે કે, આ તફાવત ઘટી રહ્યો છે, છતાં કંગાળ આંકડા અને ત્રી શિક્ષણની પરિસ્થિતિની અવગણના ન થઇ શકે. પ્રશ્ન એ છે કે, બેટી પઢાવો ઝુંબેશ ફક્ત કાગળ ઉપર જ રહી ગઇ છે ? તેનો જવાબ વિસ્તારને આધારિત છે. શહેરોમાં અથવા તો જ્યાં જ્યાં કન્યાઓને પણ ઉચ્ચ શિક્ષણ સુધીની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ છે ત્યાં કન્યાઓ અગ્રેસર છે. અરે, ધો. 10 કે ધો. 12 અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ છાત્રાઓ વિદ્યાર્થીઓથી આગળ રહીને મહાત આપી રહી છે. સમાજના બદલાતા સ્વરૂપથી જરૂર ખુશ થવાય, પણ અંતરિયાળ કે પછાત વિસ્તારમાં જ્યાં દીકરીઓ માટે પૂરતી સગવડ-વ્યવસ્થા નથી એ પણ વાસ્તવિકતા છે. કચ્છ ગુજરાતનો ચોથો ભૂભાગ ધરાવતો વિશાળ જિલ્લો છે. તાલુકાઓ અને એક તાલુકામાં ગામડાં વચ્ચેનું અંતરે ઘણું હોય છે, તેથી કન્યાઓ માટે ભણવા જવું, દાખલો લીધા પછી શાળા ચાલુ રાખવા એમાં સાતત્યતા જાળવી શકાતી નથી. કચ્છમાં સૌથી દુર્ગમ અને દૂરના ત્રણે તાલુકા અબડાસા, લખપત અને રાપરમાં સાક્ષરતાદર નીચો છે. સરકારે અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોએ સ્થિતિ નિવારવા માટે સત્વરે વિચારવું રહ્યું છે. ખાસ તો છાત્રાલયોની સુવિધા, જાહેર પરિવહન જેવી સુવિધાના અભાવને લીધે મા-બાપ દીકરીઓને દૂર ભણવા મોકલવામાં ખંચકાટ અનુભવે છે. પશુપાલક પરિવારોનું ભટકતું જીવન અને હીજરત પણ એક કારણ છે. ગ્રામીણ શાળાઓમાં અલગ શૌચાલય ન હોવાં જેવાં કારણ પણ ડ્રોપઆઉટ માટે નિમિત્ત બને છે. વક્રતા એ છે કે, રાજ્યમાં કન્યા શિક્ષણ નિ:શુલ્ક હોવા છતાં આ સ્થિતિ છે. ભારત સ્વતંત્રતાનાં અમૃત પર્વથી આગળ નીકળી ગયું છે. શિક્ષણ માટેના ભંડોળ અને સુવિધાઓમાં અપૂર્વ વધારો થવા છતાં ધાર્યા પરિણામ હજુ હાંસલ થઇ શક્યાં નથી. શિક્ષણની ગુણવત્તાનો પ્રશ્નએ હજુ ઊભો છે. એકંદરે ગુજરાત અને દેશમાં સાક્ષરતાનું ચિત્ર પ્રોત્સાહક છે. યુનેસ્કો પ્રમાણે દુનિયાનો યુવા સાક્ષરતાદર 93 ટકાએ પહોંચી ગયો છે. મતલબ કે દર 100માંથી 93 યુવા વાંચી-લખી શકે છે. આ માહોલ છતાં 2023માં પાયાના શિક્ષણથી વંચિત યુવા અને વયસ્કનો આંકડો 75.4 કરોડ નોંધાયો હતો. અહીં એ નોંધનીય છે કે, સાક્ષરતા વિના ખાસ કરીને ગ્રામીણ સમાજમાં કન્યા કેળવણીમાં નાટકીય બદલાવ વગર વિકાસના ફળ લોકો સુધી પહોંચી શકશે નહીં. માનવ વિકાસના ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ ઘણો પાછળ હોવાનું કારણ પાયાના અગ્રતાક્રમ નક્કી કરવામાં થયેલી ભૂલ છે એમાં શંકા નથી. શિક્ષણ આવો જ એક અગ્રતાક્રમ છે એ રખે ભુલાતું. 

Panchang

dd