• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

આજથી વિધાનસભાનું ટૂંકું સત્ર : નવ ખરડા પસાર થશે

અમદાવાદ, તા. 8 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આવતીકાલે 9મી, સપ્ટેમ્બરથી ગાંધીનગરમાં શરૂ થશે અને 11મી, સપ્ટેમ્બરે પૂર્ણ થશે. ત્રણ દિવસ ચાલનારા આ ટૂંકા સત્રમાં સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે વિવિધ મુદ્દે ઉગ્ર રાજકીય ગરમાવો જોવા મળે તેવી શક્યતા છે. સરકાર તરફથી જીએસટી સહિત આશરે નવ વિધેયકો ગૃહમાં રજૂ કરાશે. જ્યારે કોંગ્રેસે મોંઘવારી, બેરોજગારી, ઓછા વરસાદ અને અછત જેવા જનજીવનને સીધી અસર કરતા મુદ્દાઓને આગળ રાખી સરકારને ઘેરવાની તૈયારી કરી છે. ત્રણ દિવસનું સત્ર હોવા છતાં સરકારના ધારાસભ્યોએ વિધેયકો અને સરકારી કામગીરી આગળ ધપાવવાની રહેશે. જ્યારે વિરોધ પક્ષ માટે મર્યાદિત સમયગાળામાં વધુમાં વધુ જનપ્રશ્નો ગૃહમાં ઉઠાવવાનો પડકાર રહેશે. પરિણામે સત્રની શરૂઆતથી જ સરકાર અને કોંગ્રેસ વચ્ચે સવાલ-જવાબ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપનું રાજકારણ જોવા મળી શકે છે.આ ચોમાસુ સત્રમાં કુલ આશરે નવ વિધેયકો રજૂ થવાના છે. તેમાં જીએસટી સંબંધિત વિધેયકનો પણ સમાવેશ થાય છે. ટૂંકા સત્રમાં એક પછી એક વિધેયકો ગૃહ સમક્ષ આવવાના હોવાથી તેની ચર્ચા અને પસાર કરવાની પ્રક્રિયા પણ સત્રના મહત્વના કામકાજમાં રહેશે. સરકાર માટે વિધેયકો પસાર કરાવવાની સાથે વિકાસ અને વહીવટી કામગીરીને આગળ વધારવાનો મુદ્દો મહત્વનો રહેશે. બીજી તરફ વિરોધ પક્ષ વિધેયકોની જોગવાઈઓ અંગે પ્રશ્નો ઉઠાવી સરકાર પાસેથી સ્પષ્ટતા માગી શકે છે. સત્રમાં મોંઘવારીનો મુદ્દો સૌથી વધુ રાજકીય ગરમાવો પેદા કરે તેવી શક્યતા છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ, ઘરગથ્થુ બજેટ પર વધતું ભારણ અને સામાન્ય પરિવારોની મુશ્કેલીઓ અંગે કોંગ્રેસ સરકારને સવાલો કરી શકે છે. વિપક્ષ માટે આ મુદ્દો માત્ર આંકડા પૂરતો નહીં પરંતુ સામાન્ય નાગરિકના રાજિંદા જીવન સાથે જોડાયેલો હોવાથી સરકાર સામે રાજકીય દબાણ ઊભું કરવાની મહત્વની તક બની શકે છે. યુવાનોમાં રોજગારની તકોનો પ્રશ્ન પણ સત્રમાં ગાજી શકે છે. સરકારી ભરતી, ખાલી જગ્યાઓ, ભરતી પ્રક્રિયા અને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની સ્થિતિ અંગે કોંગ્રેસ સરકાર પાસેથી જવાબ માગી શકે છે.  ગુજરાતમાં રોજગાર અને ભરતીનો મુદ્દો અગાઉ પણ રાજકીય ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે. આથી ત્રણ દિવસના સત્રમાં બેરોજગારીનો મુદ્દો સરકાર માટે અસહજ પ્રશ્નો ઊભા કરી શકે છે. 

Panchang

dd