• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

ચક્રવ્યૂહ : આર્થિક આત્મનિર્ભરતાની દિશામાં પહેલ

અર્પિત ગંગર દ્વારા : મુંબઈ, તા. 8 : જૈન યૂથ ફોરમ, જન્મભૂમિ ગ્રુપના આર્થિક વ્યાપાર અને કચ્છ કોર્પોરેટ ફોરમના સંયુક્ત ઉપક્રમે ભારતીય વિદ્યાભવન ખાતે ચક્રવ્યૂહ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વ્યાપાર વિશ્વની ભૂલભૂલામણી તથા મોંઘવારીના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવા અંગેનાં માર્ગદર્શન માટેના આ કાર્યક્રમમાં ઝી-બિઝનેસના મેનાજિંગ એડિટર અનિલ સિંઘવી મુખ્ય વક્તા હતા. બજારના રોકાણકારો, શેરબ્રોકર્સ અને વ્યાપારી વર્ગમાં અનિલ સિંઘવી જાણીતું નામ છે. ચક્રવ્યૂહમાં તેમણે વેલ્થ મેનેજમેન્ટ, વેપારીની માનસિકતા, શેરબજારમાં રોકાણ તથા ઉતાર-ચઢાવ, સ્થિરતા, સ્પર્ધા, યુવાનો માટે સંદેશ, પરિવારની મહિલા સભ્યોનો અભિગમ જેવી વૈવિધ્યસભર બાબતોને આવરી લીધા હતા. અનિલ સંઘવીએ જણાવ્યું હતું કે, ભારતમાં સંપત્તિ બનાવવાના બે રસ્તા છે - તમારો પોતાનો વ્યવસાય કરો અને તેનો વ્યાપ વધારો અને બીજો તમને જે વ્યવસાયોમાં વિશ્વાસ છે તેમાં નાણાં રોકો. તેમણે કહ્યું હતું કે, વહેલા મૃત્યુ પામવું એ નાનું જોખમ છે, લાંબું જીવવું એ મોટું જોખમ છે, મોંઘવારી ખૂબ જ વધી રહી છે અને ખર્ચ વધી રહ્યા છે, જો સંતાનો પૈસા બચાવતા હોય અને સમજદારીપૂર્વક ખર્ચ કરતા હોય, તો માતા-પિતા માટે તેનાથી સારું બીજું કંઈ હોઈ શકે નહીં. મારા મતે, શ્રેષ્ઠ રોકાણ એટલે ઘર માટે સોનું, બાળકો માટે જમીન અને તમારા પોતાના માટે ઇક્વિટી છે. યુવાનોને સંદેશ આપતા અને તેમને સુરક્ષિત ભવિષ્ય માટે આયોજનનું મહત્ત્વ સમજાવતાં તેમણે કહ્યું, `આજના સમયમાં એસઆઈપી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એસઆઈપી તમારાં બાળક સમાન છે, જે વૃદ્ધાવસ્થામાં તમારો આધાર બની શકે છે.' સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનાજિંગ ટ્રસ્ટી અને જેવાયએફના સ્થાપક હાર્દિકભાઈ મામણિયાએ જન્મભૂમિ એપ વિશે અપડેટ આપતાં જણાવ્યું હતું કે, `જન્મભૂમિ આગામી સમયમાં નવી એપ લાવી રહ્યું છે. આ એપ  પર ગુજરાતી અખબાર અંગ્રેજી અને અન્ય 12 ભાષામાં મળશે. તમામ બ્રાકિંગ ન્યૂઝ માટે તેમાં ઓડિયો સુવિધા પણ હશે. આ એપનું લોકાર્પણ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે.' આ કાર્યક્રમનું વર્ણન કરતાં હાર્દિકભાઈએ કહ્યું, `આ ઇવેન્ટ આપણને જે ત્રણ વસ્તુ આપશે તે છે 360 ડિગ્રી વિઝન (સંપૂર્ણ દૃષ્ટિકોણ), સ્ટ્રેટેજી મેનેજમેન્ટ (વ્યૂહરચના વ્યવસ્થાપન) અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કેવી રીતે લેવો.' જન્મભૂમિના એક્ઝિક્યુટિવ એડિટર આશિષભાઈ ભીન્ડેએ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના સમાચારપત્રોની પરંપરા તથા ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવા વ્યૂહ અને વ્યૂની વાત કરી હતી. કેસીએફના વાઇસ ચેરપર્સન જિતેનભાઈ છેડાએ કેસીએફની પ્રવૃત્તિઓ તથા પ્રકલ્પો વિશે સવિસ્તર ચર્ચા કરી હતી. હાર્દિકભાઈ અને મુકેશભાઈ દેઢિયા (કેસીએફના પ્રમુખ) અનિલ સિંઘવીને દર્શકો વતી પ્રશ્નો પૂછ્યા હતા. આખો કાર્યક્રમ હાઉસફુલ દર્શકોએ મનભર માણ્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd