• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

કચ્છમાં વરસાદી માહોલના વર્તારા વચ્ચે વાગડમાં ઝાપટાં

ભુજ, તા. 8 : કચ્છમાં છેલ્લા એક માસથી વરસાદે વિરામ લીધો છે. એકાદ સપ્તાહથી આકાશમાં વાદળોની અવર-જવર મંદ પડતાં ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. જો કે, હવે આ મેઘ વિરામનો દોર થંભે અને વરસાદનો એકાદ રાઉન્ડ આવે તેવી આશા બંધાઇ છે. હવામાન વિભાગે ગણેશચતુર્થી આસપાસ વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરી છે. ખાનગી વેધર મોડેલ પણ પોઝિટિવ બનતાં પવન-ગાજવીજ સાથે વરસાદ વરસે તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે એ બધા વચ્ચે વાગડમાં ઝાપટાં વરસ્યા હતા. અંજાર-ગાંધીધામમાં મહત્તમ પારો સામાન્ય નીચે ઊતરીને 35.4 ડિગ્રીએ પહોંચ્યો હતો. ભુજ અને કંડલા પોર્ટમાં 34.6 ડિગ્રી તાપમાને ઉકળાટની અનુભૂતિ યથાવત્ રહી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહે રવિ-સોમ આસપાસ પવન-ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરાઇ છે. ખાનગી  હવામાન મોડેલ અનુસાર 12થી 15 સપ્ટેમ્બર દરમ્યાન કચ્છમાં વરસાદી માહોલ છવાઇ શકે છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાવાની છે જે ગુજરાત પર આવે તેવી સંભાવના હવામાન વિભાગના વિવિધ મોડેલ દેખાડી રહ્યાં છે. દરમિયાન, આજે સાંજે રાપર તાલુકાના રાસાજી ગઢડા ગામે વરસાદી ઝાપટું વરસતાં ખેડૂતોને આંશિક રાહત મળી હતી. આ સિસ્ટમ કચ્છને લાભકર્તા થાય અને પાછોતરી મેઘમહેર ચિત્ર પલટાવે તેવી પ્રાર્થના કચ્છીમાડુઓ કરી રહ્યા છે. રાજ્યમાં કોરાધાકોર વાતાવરણ વચ્ચે પ્રાંથળનાં બાલાસર, લોદ્રાણી, નાગપુર વગેરે ગામોમાં વરસાદી ઝાપટાં વરસતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી હતી. બાલાસરથી પ્રતિનિધિ જયેન્દ્રાસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સખત ઉકળાટ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજે પવન સાથે વરસાદી ઝાપટાં પડતાં ગામના રસ્તાઓ પરથી જોશભેર પાણી વહ્યાં હતાં. સૂકાતા મોલને જીવતદાન મળ્યું હતું, તો ખેડૂતોને હજી પાછોતરા વરસાદની આશા બંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે, વાગડના આ વિસ્તારમાં હજી નર્મદાનાં નીર પહોંચ્યાં નહીં હોવાથી ખેતી વરસાદ આધારિત છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd