ભુજ, તા. 29 : મુંદરામાં કાર્યરત એમ્પ્ટી
કન્ટેનર પાર્કના કોડ બંધ કરવાના મુદ્દે એમ્પ્ટી એસો.ના વિરોધ વચ્ચે પોર્ટ તંત્ર તરફથી
એમ્પ્ટી કન્ટેનર પાર્કની સુરક્ષા, સંચાલન વ્યવસ્થા અને નિયંત્રણ અંગે
પણ સવાલો કરવામાં આવ્યા છે. અદાણી પોર્ટ સૂત્રોના પ્રતિભાવ મુજબ, પાર્ક માત્ર ખાલી કન્ટેનર રાખવાની જગ્યા નથી, પરંતુ આયાતી
માલ ઉતાર્યા બાદ ખાલી થયેલાં કન્ટેનરનો સુરક્ષિત સંગ્રહ, સફાઈ,
મરંમત તેમજ શાપિંગ કંપનીની સૂચના મુજબ પુન:ઉપયોગ અથવા પુન:નિકાસ માટેની
હેરફેરનું મહત્ત્વનું કેન્દ્ર છે, તેથી બંદરથી બહાર નીકળેલા દરેક
ખાલી કન્ટેનરની હિલચાલનો ચોક્કસ અને વિશ્વસનીય રેકોર્ડ રહે તે કસ્ટમ્સ અને બંદર સુરક્ષા
બંને માટે મહત્ત્વપૂર્ણ છે. આયાતી ખાલી કન્ટેનરના દુરુપયોગની સંભાવના અંગે પણ સમયાંતરે
સવાલો ઊભા થયા છે. કેટલાક કિસ્સાઓમાં આયાતી ખાલી કન્ટેનર સ્કાનિંગ માટે પસંદ થયા હોવા
છતાં તેનું સ્કાનિંગ ન થતું હોવાના આક્ષેપો થયા છે, જે સુરક્ષાની
દૃષ્ટિએ ગંભીર બાબત બની શકે છે. કન્ટેનર ખાલી હોવાનું દર્શાવવામાં આવતું હોવા છતાં
તેમાં ગેરકાયદેસર માલ હોવાની શક્યતા સંપૂર્ણપણે નકારી શકાય નહીં. કન્ટેનરની અંદર ગુપ્ત
જગ્યા બનાવી સોનું અથવા અન્ય પ્રતિબંધિત માલ છુપાવવાની સંભાવના અંગે પણ ચર્ચા થતી રહે
છે. આયાતી એમ્પ્ટી કન્ટેનરને નિર્ધારિત સમયમર્યાદામાં ફરી નિકાસ એટલે કે રિ-એક્સપોર્ટ
કરવાનું હોય છે અને તે અંગે શાપિંગ કંપનીને બાંહેધરી આપવાની હોય છે. જો કે,
મોટાભાગના કિસ્સાઓમાં આયાતી કન્ટેનર સમયસર રિ-એક્સપોર્ટ થતા નથી અને
તેનો ઉપયોગ ડોમેસ્ટિક માલની હેરફેર માટે થતો હોવાના આક્ષેપો થાય છે. સૂત્રોના દાવા
મુજબ કેટલાક એમ્પ્ટી કન્ટેનર પાર્કમાં આયાત થયેલા બેઝ ઓઇલ, જે
ફ્લેક્સી બેગમાં હોય છે, તેની વહીવટી પ્રક્રિયા બાદ એમ્પ્ટી કન્ટેનર
પાર્કમાં લાવવામાં આવે છે અને ત્યારબાદ તેને ગેરકાયદેસર વેચાણના હેતુથી ટેન્કરમાં ટ્રાન્સફર
કરવામાં આવતા હોવાના આક્ષેપો છે. આવી કામગીરી દરમિયાન આગ અથવા અન્ય અકસ્માત સર્જાય
તો મોટી જાનહાનિ થવાની સંભાવના નકારી શકાય નહીં. આ પરિસ્થિતિમાં એમ્પ્ટી કન્ટેનર પાર્કના
કોડ, જમીન ઉપયોગ, કસ્ટમ્સ નિયંત્રણ,
કન્ટેનર ટ્રાકિંગ, સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ અને અગ્નિ સલામતી જેવા વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને સુવ્યવસ્થિત
સુવિધા વિકસાવવી સમયની આવશ્યકતા છે.