ન્યૂયોર્ક, તા. 29 : આરએસએસના વડા મોહન ભાગવતે અમેરિકાના
ન્યૂયોર્કમાં `એક વિશ્વ, એક માનવતા' કાર્યક્રમમાં
સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ધર્મો અલગ અલગ હોઈ
શકે છે, પરંતુ માનવતા અને સત્ય એક છે. તેમણે નિવેદન આપતાં એક
મહત્ત્વપૂર્ણ વાત કરી હતી. ભાગવતે કહ્યું હતું કે, `જો કોઈ હિન્દુ એવું વિચારે કે, ભારતમાં કોઈ મુસ્લિમ ન હોવા જોઈએ, તો તે હવે હિન્દુ નથી. જો તમે પોતાને હિન્દુ કહેવા માગતા હો, તો તમારે માનવું જોઈએ કે બધા રસ્તા એક જ ધ્યેય તરફ દોરી જાય છે. દરેક ધર્મમાં
માનવીનું સન્માન કરવામાં આવે છે. માણસ-માણસ વચ્ચે કોઈ ભેદ નથી.' તેમણે કહ્યું હતું કે, `હું એવા સમાજ માટે કામ કરી રહ્યો છું જે પરંપરામાં માને છે કે
ધર્મો અલગ અલગ હોઈ શકે છે, પરંતુ માનવતા
એક છે. સત્ય એક છે. માનવતા એ સત્યનું સર્જન છે. તેથી માનવતા અને સત્ય એક છે. તેને સરળતાથી
વ્યક્ત કરવામાં આવે છે અને અલગ અલગ રીતે સમજાવવામાં આવે છે. આપણે મનુષ્યો આપણા અનુભવો
અને આપણી મર્યાદાઓના કેદી છીએ.'