નવી દિલ્હી, તા. 29 : ટી20 વિશ્વકપ વિજેતા કેપ્ટન સુર્યકુમાર
યાદવે અંતે ભારતીય ટીમમાંથી બહાર થવા ઉપર મૌન તોડયું છે. ચાલુ વર્ષની શરૂઆતે ભારતને
પોતાની કેપ્ટનશીપમાં વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યા બાદ અજીત અગરકરની આગેવાનીની પસંદગી સમિતિએ
આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસે સુર્યાની જગ્યાએ શ્રેયસ અય્યરને નવો કેપ્ટન પસંદ
કર્યો હતો. આ નિર્ણય પાછળ સુર્યકુમારનું બેટિંગમાં નિરાશાજનક પ્રદર્શન કારણ હોવાનું
માનવામાં આવતું હતું. જો કે સુર્યકુમારની આગેવાનીમાં ભારતે એક પણ શ્રેણી ગુમાવી નહોતી.
પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાની યુટયુબ ચેનલ ઉપર વાત કરતા સુર્યકુમારે ત્રણ દિવસ
પૂર્વે જ મને આ નિર્ણય જણાવી દેવાયો હતો. ટીમમાં નામ સામેલ ન હોવાનું જાણીને ગુસ્સો
નહોતો આવ્યો પણ હસ્યો હતો. પોતાની કેપ્ટનશીપ અને ભવિષ્યની યોજનાઓનો ઉલ્લેખ કરતા સુર્યકુમારે
કહ્યું હતું કે, મને આશા હતી કે આગળ નેતૃત્વ
કરીશ. જો કે તમારા અને અન્ય લોકોના વિચારોમાં ફરક હોય છે અને તેને પસંદગીકર્તાના નિર્ણય
ઉપર કોઈ ફરિયાદ નથી. એશિયા કપ અને વિશ્વકપ જીત્યા બાદ ટીમમાંથી બહાર થવું નિરાશાજનક
તો હતું અને આ અંગે દોઢ મહિના સુધી ઘરે રહીને વિચાર પણ કર્યો હતો. પસંદગી પ્રક્રિયા
ઉપર વાત કરતા સુર્યકુમારે કહ્યું હતું કે, ટીમની સત્તાવાર ઘોષણાના
2-3 દિવસ પહેલા પસંદગીકર્તાઓએ ફોન
કરીને નિર્ણય અંગે જાણકારી આપી દીધી હતી. જેમાં ફોન ઉપર કહ્યું હતું કે, હવે આગળ વધવાનો સમય આવી ગયો છે.