• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

ગાંધીધામ કોર્પોરેશનના સત્તાધીશો થાક્યા

ગાંધીધામ, તા. 29 : રાજ્ય સરકાર દ્વારા ગાંધીધામ મહાનગરપાલિકાના 188 ચોરસ કિલોમીટરમાં વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવી છે, પરંતુ ખર્ચ સામે હેતુ સાર્થક થતો નથી. બાંધકામ વિભાગ સત્તાધીશોને દાદ આપતો નથી, પરિણામે સરકારમાં એક સિટી ઇજનેર અને ત્રણ સિવિલ ઇજનેરની માંગ કરવામાં આવી છે.  ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચના કામો થઈ રહ્યા છે. માર્ગોના કામમાં ગુણવત્તા સાથે બાંધછોડ થઈ રહી છે. ટેન્ડરની શરતો મુજબ કામ થતાં નથી. બાંધકામ વિભાગ માનીતા કોન્ટ્રાક્ટરો અને પીએમસી એજન્સીઓની ગંભીર બેદરકારીઓ સામે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે અને તેનું પરિણામ નાગરિકોને ભોગવવું પડી રહ્યું છે. બાંધકામ વિભાગથી સત્તાધિશો થાકી ગયા છે. પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે, પણ હેતુ સાર્થક થતો નથી. પરિણામે સત્તાધીશોની ચિંતા વધી છે. વિધાનસભાની ચૂંટણી પણ નજીક છે. તેવામાં લોકોને દેખાય તેવા વિકાસના કામો કરવા જરૂરી છે.  માર્ગો બન્યા છે તે દેખાય છે, પરંતુ ખાડા પડી ગયા છે. ઘણી જગ્યાએ માર્ગો બેસી ગયા છે. ફૂટપાથ બેસી ગયા છે, સામાન્ય નાગરિકો પણ ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છે. તેવામાં જો વરસાદ પડશે તો મહાનગરપાલિકાના ઇજનેરી વિભાગની આખી પોલ ખૂલે તેવી સ્થિતિ છે. ખાડે ગયેલા વહીવટ સામે  કમિશનર કોઈ પગલાં ભરતા નથી, જેના પગલે સવાલો ઊઠી રહ્યા છે. મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વારંવાર બાંધકામ વિભાગને ટકોર કરે છે, પરંતુ એન્જિનીયારિંગ વિભાગ દાદ દેતો નથી. ઇજનેરો એક કાનથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે છે. ખાસ કરીને ટેન્ડરની શરતો મુજબ કામો થતાં નથી. તાજેતરમાં જે માર્ગો બન્યા છે તેની કામગીરીની તપાસ કરવામાં આવે તો પોલ ખૂલે તેવી સ્થિતિ છે. કોર્પોરેટરો પણ સત્તાધીશોને વારંવાર રજૂઆતો કરે છે, પરંતુ બાંધકામ વિભાગમાં કોઈ બદલાવ ન થતાં સ્થિતિ ઠેરની ઠેર રહે છે. આ સ્થિતિ સામે સરકાર માગણી મુજબ ક્યારે નિમણૂક કરે છે તેના ઉપર સૌ કોઈની નજર મંડાઈ છે.

Panchang

dd