નખત્રાણા, તા. 29 : રસ્તે રઝળતા નંદી (આખલા) માટે
ગૌસેવા અને જીવદયાપ્રેમીઓ દ્વારા રૂા. બે કરોડના ખર્ચે નંદી સેવાકેન્દ્ર સ્થાપવા ચક્રો
ગતિમાન થયા છે. ખેતીમાં વધેલા યંત્રોના ઉપયોગ બાદ બળદોનો ઉપયોગ બંધ થતાં આ ગૌવંશ રસ્તે
રઝળતો થઈ ગયો છે. રસ્તે રઝળતા આ મૂંગા ઢોર લોકો માટે પણ ત્રાસરૂપ બન્યા છે, ત્યારે આવા નંદીઓ માટે સેવાકેન્દ્ર સ્થાપવા
શહેરની ગૌસેવા સમિતિની બેઠક મળી હતી, જેમાં સમિતિ હસ્તકની બેરુ
રોડ સ્થિત જમીનમાં અંદાજે બે કરોડના ખર્ચે સંકુલ, ઘાસ ગોડાઉન,
કાર્યાલય અને શેડ વગેરેનું નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ માતબર
રકમ માટે હૈદરાબાદ, રાયપુર સહિત દેશ-પરદેશ સ્થાયી પાટીદાર સમાજના
દાતાઓ તૈયાર હોવાનું સમિતિના ટ્રસ્ટીઓ દ્વારા જણાવાયું હતું. આ નંદીઓના નિભાવ માટે
રિઝર્વ ફંડ એકત્રિત કરવા પણ સમિતિની રચના કરવા આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો. ધારાસભ્ય
પ્રદ્યુમનસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલી ગૌસેવા સમિતિની બેઠકમાં નગરપતિ વસંતભાઈ
વાઘેલા, સેવા કેન્દ્રના પ્રમુખ નારાણભાઈ માનાણી, બેચરભાઈ સુરાણી, મહામંત્રી લાલજીભાઈ રામાણી, ભવાનભાઈ લીંબાણી, મનસુખભાઈ રૂડાણી, અશોકભાઈ ભાવાણી, ધરમશી કેસરાણી, જેન્તીભાઈ તેજાણી, માવજીભાઈ માનાણી, મણિલાલ પટેલ, રતિલાલ સેંઘાણી, શંભુભાઈ
ગોગારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બીજીતરફ જી.એમ.ડી.સી. કોલેજના ટ્રસ્ટી મંડળની બેઠકમાં કોલેજ સંકુલમા નવા
રૂમ બનાવવાની જરૂરિયાત હોવાથી ટ્રસ્ટી મંડળે ધારાસભ્ય શ્રી જાડેજા સમક્ષ રજૂઆત કરી
હતી. આ પ્રશ્ને હકારાત્મક પ્રતિભાવ આપી રૂમો બનાવવા મુખ્યમંત્રી તથા ઉચ્ચ શિક્ષણ વિભાગ
ગાંધીનગર કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી હતી.