ભચાઉ, તા. 26 : ભચાઉ ખાતે ઈદ-એ-મિલાદુન્નબીની
ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પયગંબરે ઈસ્લામ હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસે કચ્છમાં
ઠેરઠેર જુલૂસ કાઢવામાં આવે છે. ઘર અને મસ્જિદોને શણગારવામાં આવે છે અને પયગંબર સાહેબનો
સંદેશ પહોંચાડી અમલ કરવાની હિદાયત આપવામાં
આવે છે, મસ્જિદોમાં નાતે રસુલ પઢવામાં આવે છે,
માનવતામાં માનનારા જ મહાન છે તેવો પયગંબર સાહેબનો એક જ સંદેશ હતો. આ
દિવસે ગરીબોને દાન આપવામા આવે છે. ઈદની ઉજવણીના ભાગરૂપે ભચાઉ ખાતે તયબાહ મસ્જિદ બટિયા વિસ્તારથી જુલૂસ સ્વરૂપે
મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં નાત શરીફ અને મરશિયા પઢતા નીકળ્યા હતા. જેમાં જૂના
બસ સ્ટેશન પાસે હિમતપુરા વિસ્તારના મુસ્લિમ બિરાદરો પણ જોડાયા હતાં. આ જુલૂસ મુખ્ય
બજાર થઈ જુમા મસ્જિદ, માંડવીચોક, દુવા એ
ખેર પઢી શહેરની મુખ્ય બજાર ઈદગાહ ખાતે પરત ફર્યું હતું. ત્યારબાદ ન્યાજ અને બાલમુબારક,
જિયારત કરાઈ હતી. આ પ્રસંગે સમસ્ત ભચાઉ સુન્ની મુસ્લિમ જમાતના આગેવાનો
અને આસપાસનાં ગામો, ભચાઉ શહેરના સર્વે મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા
હતા અને એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી.