• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

ભુજમાં હટેલા દબાણો ફરી નહીં ગોઠવાય

કૌશલ પાંધી દ્વારા : ભુજ, તા. 26 : શહેરમાં હાલ દબાણ હટાવ ઝુંબેશનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ઉચ્ચ કક્ષાએથી રાજકીય નેતા આવતા હોય ત્યારે માર્ગો પરના લારી-ગલ્લાં દૂર કરાતા હોય છે, પણ આ વખતે સુપ્રીમ કોર્ટના આદેશને પગલે કલેક્ટરની સૂચનાથી  નગરપાલિકાએ ભુજના નાગરિકો માટે ફૂટપાથ અને જાહેર માર્ગો પરથી લારી-ગલ્લાંરૂપી દબાણો પર સપાટો બોલાવ્યો છે. જો કે, દર વખતની જેમ ઝુંબેશના થોડા દિવસો બાદ ફરી લારી-ગલ્લાં નહીં ઊભવા દેવાય તેવો નિર્ણય કરાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું, તો નાના ધંધાર્થીઓ માટે સત્વરે વૈકલ્પિક જગ્યા પણ ફાળવાય તે જરૂરી છે. ભુજમાં એક બાદ એક વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, જેને કારણે માર્ગો મોકળાં અને ફૂટપાથ લોકો માટે ખુલ્લી થઇ છે. કલેક્ટરની કડક સૂચનાને પગલે સુધરાઇની દબાણ શાખાએ પણ દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. અનેક વિસ્તારોમાં ઊભતા લારી-ગલ્લાંવાળાઓને નોટિસ ફટકારી સ્વેચ્છાએ હટી જવા તાકીદ કરાઇ છે. હાલમાં ચર્ચા એ જાગી છે કે, થોડા દિવસો બાદ ફરી ધંધાર્થીઓ ગોઠવાશે કે નહીં. આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર તંત્રનો રૂખ આ વખતે કડક છે અને જાહેર માર્ગો અને ફૂટપાથ પર દબાણો થવા નહીં થવા દેવાય. આ બાબત ધ્યાને લઇ અનેક ધંધાર્થીઓએ દુકાનો ભાડે લઇ વ્યવસાય શરૂ પણ કરી દીધો છે, તો અમુકે ફરી નાનાપાયે એ જ સ્થળે સાદી રેંકડી ગોઠવી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સુધરાઇના તત્કાલીન મુખ્ય અધિકારી જિગર પટેલે દબાણ હટાવ્યા બાદ તે ફરી ન ગોઠવાય તે માટે જે-તે વોર્ડના વોર્ડમેનની જવાબદારી નક્કી કરી હતી. આવું આયોજન પણ જરૂરી હોવાનું લોકો જણાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમુક મોટા પ્લોટ ધરાવનારાઓએ નાસ્તાની લારીઓને ખાનગી પ્લોટ પર ઊભા રહેવા ભાડે આપવાનું પણ શરૂ કર્યું છે, જેથી પ્લોટના માપ પ્રમાણે અમુક લારી-ગલ્લાંવાળાઓએ સાથે મળી ઓફર સ્વીકારી પણ લીધી છે, જેથી આવા ખાનગી પ્લોટ પણ ફૂડઝોન બની અસ્તિત્વમાં આવે તેવી શક્યતા છે. અનેક સ્થળેથી દબાણો  હટયા પણ નાના ધંધાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા સત્વરે કરવા જરૂરી છે. આ માટે સુધરાઇમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર હજુ સુધી કોલેજ રોડ પર એક જ જગ્યા નક્કી કરાઇ છે. જ્યાં અંદાજે 100 લારી-ગલ્લાં ઊભા રહી શકશે. થોડા દિવસો પહેલાં આ માટેનું માર્કિંગ પણ કરાયું છે, પણ સુધરાઇએ બોલાવેલા ધંધાર્થીઓમાંથી માત્ર વીસેક ધંધાર્થી જ ટોકન લેવા આવ્યા હતા. હાલ તો ફાળવાયેલી જગ્યા ખાલીખમ છે અને ત્યાં કોઇ પ્રાથમિક સુવિધા પણ ન હોવાથી ધંધાર્થીઓ જતા વિચાર કરી રહ્યા છે. ભુજમાં ટ્રાફિક સમસ્યાએ અજગર ભરડો લીધો છે, ત્યારે માર્ગો પહોળા થાય અને ફૂટપાથ લોકોને ચાલવા માટે અનામત રહે, જેથી અકસ્માતનું પ્રમાણ ઘટી શકે. સાથોસાથ નાના ધંધાર્થીઓ માટે અલાયદી જગ્યા સત્વરે  ફાળવી ટ્રાફિકને અડચણ ન થાય તેવાં સ્થળો તંત્ર દ્વારા ફાળવવા જોઇએ, જેથી નાના ધંધાર્થીઓને રોજીરોટી મળી શકે. સાથોસાથ ભુજવાસીઓને નવા ફૂડઝોન પણ મળે.

બસ સ્ટેશન વિસ્તાર હજુ ટ્રાફિક સમસ્યાથી પીડાય છે

ભુજમાં બસ સ્ટેશન વિસ્તારમાં દબાણ હટાવ ઝૂંબેશ કરાઇ, પણ હજુ અનેક દુકાનધારકો દુકાન આગળના ભાગની ફૂટપાથો રોકી બેઠા છે, જેમના સામે પણ કાર્યવાહી કરાય તેવી લોકમાંગ ઊઠી છે.

દુકાન ખરીદનારાનો ફૂટપાથ પર હક્ક દૂર કરવો જરૂરી

ભુજમાં અનેક નાના ધંધાર્થીઓ માર્ગો પર વ્યવસાય કરી બે પાંદડે થયા છે અને મોંઘેરી દુકાનો પણ ખરીદી લીધી છે, પણ અમુક ધંધાર્થીઓએ દુકાન લીધી હોવા છતાં પોતાની રેંકડી-કેબીન તો ફૂટપાથ કે માર્ગ પર જ રાખે છે. તો ભાડે લેનારા પણ દુકાન બહારની ફૂટપાથ પર કબજો જમાવી બેઠા છે. આવા ધંધાર્થીઓ સામે પણ કાર્યવાહીની માંગ ઊઠી છે.

Panchang

dd