• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

તલાટીઓ સામે અસંતોષ વધતાં આખરે કામગીરીનું વિભાજન

ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 26 : કચ્છના ગ્રામ્યસ્તરે વહીવટી કામગીરી ગ્રામ પંચાયત અને તે પણ તલાટીઓ મારફતે થતી હોવાથી ગામડાઓના અરજદારોના એકબાજુ સંતોષકારક કામો થતાં નથી અને બીજીબાજુ મોટાભાગના કામો `પ્રસાદી' ધર્યા વગર ન થતાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો ઊઠતાં તલાટીઓની કામગીરીનું વિભાજન કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. સામે કચ્છમાં તલાટીઓ દ્વારા લેવાતી લાંચના કિસ્સા વધતાં અરજદારોની હાલત કફોડી બની રહી છે.

15 લાખની ગ્રામ્ય વસ્તી

કચ્છમાં ગ્રામ્ય સ્તરે અંદાજે 15 લાખની વસ્તી છે અને ગામડાઓમાં રહેતા નાગરિકોને રોજબરોજના કામો માટે ગ્રામ પંચાયતમાં જવાની ફરજ પડે છે. કચ્છની 634 ગ્રામ પંચાયતમાં સરકારે મોટાભાગની કામગીરી ઓનલાઇન કરી હોવાથી વેરા ભરવા હોય કે ખેડૂતોના 7/12ના ઉતારા, આવકનું પ્રમાણપત્ર, લગ્ન નોંધણી, વારસાઇ, પેઢીનામા, બાંધકામની મંજૂરી વગેરે કામો માટે તલાટીઓને મળવું પડે છે.

શું કહે છે અરજદારો

ગામડાઓમાં તલાટીઓ પાસેથી કામ કરાવવું એ નાકે દમ આવી જાય છે. વારંવાર ધક્કા ખાવા પડે છે ને પછી માંડ કામ થાય, પછી કામ એમ જ થાય નહીં, `પ્રસાદી' તો ધરવી પડે છે તેવા આક્ષેપો તાજેતરમાં રૂબરૂ આવેલા કોટડા (જ.)ના અરજદારે કર્યા હતા. તેમણે જણાવ્યું કે, કોઇ સાચી માહિતી ન મળે અને પહેલા હાજર ન હોય, માંડ હાજર હોય તો કામ થાય નહીં. આવી જ ફરિયાદો અગાઉ આડેસરના અરજદારો દ્વારા કરવામાં આવી હતી. અંતે તલાટી, સરપંચ વગેરે સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

અનેક સવાલો

ગામડાના લોકો ફરિયાદો કરતા કહે છે કે, સરકાર એકબાજુ વ્યવસ્થા સરળ બનાવે છે ને સોગંદનામા વગેરેની પ્રથા બંધ કરી નાખી છે, પરંતુ ગ્રામ પંચાયતમાં કોઇ કામો માટે જઇએ ત્યારે પહેલી વખત તો તલાટી મળે નહીં અને કામની વાત કરીએ એટલે દરેક કામમાં સોગંદનામું લાવો, આવા જવાબો મળે છે. બાંધકામની મંજૂરી ગ્રામ પંચાયતમાંથી મેળવવાનું જણાવવામાં આવે છે, પરંતુ ગ્રામ પંચાયતમાં મંજૂરી લેવા મહિનાઓ નીકળી જાય છે, ત્યારે માંડ માંડ કોઇકનું કામ થાય, પછી કમ્પ્લીશન પ્રમાણપત્ર તો કોઇને મળતા નથી તેવી રાવ વ્યક્ત કરવામાં આવી હતી.

દરેક કામના ભાવ

મહેસૂલી કેસોમાં વકીલોને પણ તલાટીઓની જરૂરત પડતી હોય છે. કેમ કે, મોટાભાગના જૂના આધાર-પુરાવા, દાખલા, પેઢીનામા પંચાયતમાંથી મળતા હોવાથી કેસ લડતા કેટલાક વકીલોએ પોતાનું નામ નહીં આપવાની શરતે સ્પષ્ટ કહ્યું કે, અમારું તો રોજનું કામ છે. દરેક કામના અલગ-અલગ ભાવબાંધણું છે. વગર પૈસે કામમાં મોડું થાય અથવા તો નવા નવા પ્રશ્નો ઊભા થતા હોય છે. ગ્રામ્ય તલાટીઓ દ્વારા છેલ્લા થોડા સમયથી પંચાયતી અને મહેસૂલી કામગીરી મુદ્દે  સરકાર સામે બાંયો ચડાવી હોવાથી આખરે સરકારે નિર્ણય લઇ કામગીરીનું વિભાજન કર્યું છે અને મહેસૂલી અને પંચાયતના તલાટીઓને શું કામગીરી કરવાની રહેશે તેના આદેશ જારી કરવામાં આવ્યા છે.

ડેટા અને સર્વેક્ષણ

પાક કાપણી અખતરા : એપ્લિકેશન પર ઓનલાઈન પાક કાપણી અખતરા કરવા

ફાર્મર રજિસ્ટ્રેશન : ખેડૂતોની નોંધણી વધુમાં વધુ થાય તે માટે પ્રયાસો અને લાભાર્થીની અપ્રુવલ

એગ્રીકલ્ચર સેન્સસ: કામગીરી અને પાકના અહેવાલ તાલુકા કચેરીએ મોકલવા. (એકસાલી વાવેતર : મંજૂરી મેળવી વસૂલાત કરવી)

આવાસ :  આંબેડકર આવાસ યોજનામાં અરજદાર દ્વારા અરજી અન્વયે આકારણીમાં સહી અને અંતિમ હપ્તાની ચૂકવણી વખતે ગ્રામ્ય કક્ષાના અધિકારીનું કમ્પ્લીશન પ્રમાણપત્ર તથા આકારણીમાં સહી, મકાન બાંધકામ, રજા ચીઠ્ઠી, ચતુર્દિશા અંગેનો દાખલો. અન્ન સુરક્ષામાં પાત્રતા ચકાસણી કરવાની રહેશે.

યોજના અને સહાય

પી.એમ. કિસાન યોજના : બાકી રહેલા ખેડૂતોની નોંધણી અને અટકેલા કેસમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન.

સોઈલ હેલ્થ કાર્ડ : માટીના નમૂના એકત્ર કરી લેબોરેટરી સુધી પહોંચાડવામાં અને કાર્ડ વિતરણમાં ગ્રામ સેવકને મદદ

કૃષિ યોજનાઓ : રાજ્ય સરકારની ખેતી અને બાગાયતી યોજનાઓની અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવો.

રોજગાર અને શ્રમ : ઈ-શ્રમ / ઈ-નિર્માણ કાર્ડ માટે જન જાગૃતિ તથા ઈ-શ્રમ કાર્ડ કઢાવવાની કામગીરી

કારીગરો : વગેરેની યોજનાનું વેરિફિકેશન અને જન જાગૃતિ

મહિલા અને કલ્યાણ : સખી મંડળ (સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ)ની કામગીરી અને કુટુંબ નિયોજન / આરોગ્ય કર્મચારીઓને મદદ

લાંચના બનાવો વધતાં લાલબત્તી સમાન

ભુજ, તા. 26 : કચ્છમાં તલાટીઓ દ્વારા લેવામાં આવતી લાંચના છટકામાં બનેલા બનાવો લાલબત્તી સમાન છે. જે રીતે રકમ લઈને કામ કરવાના કિસ્સા બને છે તેના પરથી સ્પષ્ટ સંદેશો જાય છે કે, તલાટીઓ આવા કામ પણ સરળતાથી કરતા નથી. અબડાસાના ઉસ્તિયા- નાંગિયા ગામના તલાટીએ તો હદ કરી નાખી હતી. એ સમયે ફરજ બજાવતા તલાટી પ્રશાંત પટેલે ખોટી સહીઓ કરી રૂા. 11.56 લાખની રકમ નાણાપંચના ગ્રામ પંચાયતના ખાતાને બદલે પોતાના ખાતામાં નાખી દેતાં ઉચાપતની ફરિયાદ થઈ હતી. ભુજ તાલુકાના મિંયાણી ગામના તલાટી કેશવ ડામોરે ખનિજ કામના હક્કપત્રકમાં રેકર્ડ માહિતી તૈયાર કરવા માટે અરજદાર પાસેથી રૂા. 20 હજાર માગતા એક વર્ષની સજા થઈ હતી. આડેસરમાં અનુ. જાતિના લોકો માટેના ગ્રામ હાટ અન્યોને ફાળવી ભાડું ઊઘરાવવાનું વગેરેના કેસમાં ભાડું ચાઉં કરી જવાતાં એ સમયના તલાટીઓ નરેશ બાદલપુરિયા, વિકાસ દવે અને ગજુભા દરબાર સામે ખાતાકીય તપાસના આદેશ થયા હતા, તો સરપંચ પણ બરતરફ કરવામાં આવ્યા હતા. ક્યાંક માત્ર તલાટીઓ જવાબદાર નથી, સરપંચોની પણ મિલીભગત હોવાના કિસ્સા બહાર આવતા હોય છે. કેમ કે, કુકમા ગામના તલાટી અને સરપંચ પુત્ર લાંચના છટકામાં સપડાયા હતા. મકાનની આકરણી કરવાના કિસ્સામાં બે લાખ લીધા હોવાથી તલાટી વાઘસિંહ વાઘેલા અને સરપંચ પુત્ર તથા પંચાયતના સભ્ય ઉત્તમ રાઠોડની અટક કરી લેવામાં આવી હતી. મહિલા તલાટી તરીકે ભરતી કરવામાં આવી છે અને મહિલાઓ પણ લાંચ લેવામાં બિન્ધાસ્ત હોય તેવું લાગે છે. કેમ કે, દેશલપર (ગું.)ની મહિલા તલાટી ચંદ્રીકાબેન ગરોડાએ દાખલો કાઢી આપવાના બે હજાર લઈ લીધા હતા ને એ.સી.બી.એ પકડી લીધા હતા. ધોરાવરમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી ડોલીબેન જરાદીએ પોતાના અંગત લાભો માટે રેકર્ડ સાથે ચેડાં કરતાં હોવાથી તેમને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા. તાજેતરમાં રાપરના સેલારી ગામના મહિલા તલાટી અલ્પાબેન પટેલે પણ હક્ક દાખલ કરી આપવા બદલ અરજદાર પાસેથી એક હજારની લાંચ માગી હોવાથી એલ.સી.બી. દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. 2025માં તો કચ્છના પપ તલાટીઓ ઘેર બેઠા પગાર લેતા હોવાનું ડી.ડી.ઓ.ને ધ્યાને જતાં સામૂહિક રીતે ધાક બેસાડતી કાર્યવાહી કરી પગાર કાપી લેવામાં આવ્યા હતા.

Panchang

dd