• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

મેઘપર (કું.-બો.) : મોતનું ખુલ્લુ આમંત્રણ આપતી વીજ ડીપી

ગાંધીધામ, તા. 22 : અહીંની મહાપાલિકાના મધ્યમવર્ગીય ગણાતા મેઘપર કુંભારડી, બોરીચીમાં મુખ્ય રસ્તાઓ, શેરીઓમાં ઊભેલી વીજ વિભાગની ડી.પી. (ટ્રાન્સફોર્મર યુનિટ) જાણે મોતની જાળ બનીને ઊભી છે. આ ડીપીઓ વર્ષોથી ખુલ્લી હાલતમાં છે. હાલમાં ચોમાસાની ઋતુમાં અહીંથી પસાર થતા લોકોના જીવ તાળવે ચોટી જતા હોય છે. મહાપાલિકા વિસ્તારમાં આવતા આદિપુરમાં થોડા દિવસો પહેલાં જ વીજ ડી.પી.ને અડી જવાથી નિર્દોષ ગૌવંશના કરુણ મોત નીપજ્યાં હતાં. આ બનાવને પગલે ગૌભક્તો, સ્થાનિક લોકોમાં ભારે રોષ અને શોકની લાગણી પ્રસરી હતી, પરંતુ શું આ ભયંકર બનાવમાંથી વીજ તંત્રએ બોધપાઠ લીધો છે. મેઘપર કુંભારડી, બોરીચીની હાલત જોતાં તો એવું લાગે છે કે, વીજ તંત્ર જાણે ઘોર નિદ્રામાં પોઢી રહ્યું છે અને મોટી દુર્ઘટનાની રાહ જોઇ રહ્યું છે. મેઘપર કુંભારડીની મેઘમાયા સોસાયટી, દેવનારાયણ નગર વગેરે વિસ્તારોમાં વીજ બોક્સ કોઇ પણ પ્રકારના રક્ષણ વગર ખુલ્લા પડયા છે. અહીં આસપાસ રહેણાક મકાનો અને શાળાઓ, આંગણવાડીઓ આવેલી છે. નાનાં બાળકો અહીં રમતા હોય છે. રાહદારીઓ પસાર થતા હોય છે. એક નાની ભૂલ અને કોઇના ઘરનો કુલદીપક બુઝાઇ શકે છે. મેઘપરની આ ખુલ્લી અને મોતની દુકાનો સમાન ડીપીઓ જોઇને લોકો રોષપૂર્વક પૂછી રહ્યા છે, વીજતંત્ર ક્યાં છે ? શું તંત્રને લોકોના જીવની પડી નથી ? અનેક ડીપી, વીજપોલ જોખમી હાલતમાં છે છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાના આક્ષેપ કરાયા હતા. ચોમાસાનો વરસાદ પૂર્ણ થાય તે પહેલાં તમામ ખુલ્લી ડીપીઓ અને જોખમી વીજતાર, વીજપોલને યોગ્ય રીતે ફેન્સિંગ (પિંજરું) કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે. આ જોખમો સામે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા તાત્કાલિક ધોરણે ન કરવામાં આવી તો મોટી ઘટના બનવાની ભીતિ લોકોએ વ્યક્ત કરી હતી. નિર્દોષ લોકો, મૂંગા પશુઓ ક્યાર સુધી આવી ભૂલનો ભોગ બનતા રહેશે ? અહીંના લોકો હવે કાર્યવાહી ઇચ્છી રહ્યા છે, ખોટા વાયદા નહીં.

Panchang

dd