• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

કચ્છમાં વિસ્ફોટના પગલે માનવ જિંદગી ભરખાઇ જવાનો સિલસિલો અવિરત

ભુજ, તા. 22 : આજના નખત્રાણા-કોટડા (જ.) પાસેના પ્રચંડ વિસ્ફોટના પગલે બે સગાભાઇ અને તેમના બે માસૂમ બાળકોના કરુણ બનાવોને લોકોને હચમચાવી નાખ્યા છે. આમ કચ્છમાં વિસ્ફોટના પગલે માનવ જિંદગી ભરખાઇ જવાનો સિલસિલો અવિરત રહ્યાનું સામે આવ્યું છે. પાંચેક માસ પૂર્વે ખાવડામાં પ્રચંડ ધડાકામાં ફુવા-ભત્રીજો ઘાયલ થયા હતા. જેમાં સારવારમાં આઠ વર્ષીય ભત્રીજી ભાવેશ કોલીનું મોત નીપજ્યું હતું. ઘાયલ પૂર્વે 31-3-15ના મોટા દિનારામાં વિસ્ફોટે ત્રણનો ભોગ લીધો હતો. 2008માં ગાંધીધામ નજીક ગળપાદર ખાતે સેનાની છાવણીમાં થયેલા વિસ્ફોટથી ત્રણ જણ માર્યા ગયા હતા. જ્યારે સપ્ટેમ્બર 2005માં ભુજમાં લશ્કરી વિસ્તાર પાસે તોપગોળો તોડતા થયેલા ધડાકામાં પાંચ માનવ જિંદગી પર પૂર્ણ વિરામ મુકાઇ ગયું હતું. જ્યારે જૂન-2003માં ભુજમાં જ હમીરસર તળાવ કાંઠે ભંગારમાં આવેલા સેલના વિસ્ફોટથી શ્રમજીવી પરિવારના ચાર જણ મોતના મુખમાં ધકેલાઇ ગયા હતા. આ ઉપરાંત જૂન-2002માં પણ સીમાવર્તી મથક ખાવડા ખાતે મોર્ટાર શેલ ફાટતા ચાર જણના મૃત્યુ થયા હતા. કચ્છમાં આ પ્રકારના વિસ્ફોટથી એક કે બે જણના મૃત્યુ થવાના અન્ય કિસ્સાઓ અનેક બની ચૂકયા છે. વર્ષોથી બનતા આવતા આવા બનાવો ઉપરથી કોઇએ બોધ ન લીધો હોવાના કારણે આવો સિલસિલો હજુએ બરકરાર રહ્યો છે.

Panchang

dd