વોશિંગ્ટન, તા. 22 : વિશ્વ પટલ પર બે સૌથી વધુ નિકટના
પાડોશી દેશો વચ્ચે એક મોટો અને ગંભીર વેપારી સંઘર્ષ શરૂ થઈ ગયો છે. અમેરિકા અને કેનેડા
વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ટ્રેડ ડીલ આખરે તૂટી ગઈ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે
કેનેડાના સામાન પર 50 ટકાનો ભારે-ભરખમ
ટેરિફ (આયાત શુલ્ક) લાદવાનો મોટો નિર્ણય લીધો છે. તેના જવાબમાં કેનેડાના વડાપ્રધાન
માર્ક કાર્નીએ પણ પાછળ ન હટવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતાં એલાન કર્યું છે કે તેમનો
દેશ અમેરિકાને તેની જ ભાષામાં જવાબ આપશે, એટલે કે `એક-એક ડોલર'નો પૂરેપૂરો હિસાબ લેવામાં આવશે. આ મોટા ટકરાવથી
બંને દેશોના વેપાર, ત્યાં કામ કરનારા લોકો અને સામાન્ય ગ્રાહકોના
ખિસ્સા પર ભારે આર્થિક બોજ પડવાનું નક્કી છે. વાશિંગ્ટન ખાતે સતત ત્રણ દિવસ સુધી ચાલેલી
મેરેથોન બેઠકો અને ગાઢ ચર્ચાઓ છતાં બંને દેશો વચ્ચે કોઈ સાર્થક સમજૂતી સધાઈ શકી ન હતી.
આ બેઠકો નિષ્ફળ ગયા બાદ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ પોતાના વાર્તાકારોને તુરંત
જ ઓટાવા પરત બોલાવી લીધા છે. પ્રાપ્ત માહિતી મુજબ, અમેરિકા અંદાજે
28 અબજ કેનેડિયન ડોલર (લગભગ 20 અબજ અમેરિકન ડોલર) મૂલ્યના
માલસામાન પર 50 ટકાનો ટેરિફ અડધી રાતથી અમલમાં
મૂકવા જઈ રહ્યું છે. કેનેડાએ છેલ્લા દોઢ વર્ષ દરમિયાન આ વાતની પૂરેપૂરી કોશિશ કરી હતી
કે તેના વ્યવસાયો અને ઉદ્યોગોને અમેરિકન બજારોમાં કોઈપણ પ્રકારના વધારાના શુલ્ક વગર
સરળતાથી એન્ટ્રી મળતી રહે.