વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 22: પરોપકારે
આપવું લેવા પટેલોનો આત્મમંત્ર છે. પહેરેલે લુગડે માતૃભૂમિને અલવિદા કરી ગયેલો કચ્છ
કણબી જ્યાં રોપાયો ત્યાં મહોર્યો છે, ફોર્યો છે. આજે આફ્રિકા હિજરતની અમૃતયાત્રાના કર્મફળની અર્ઘ્ય વેળાએ કેન્યા
દેશને અબજોના ખર્ચે મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલની ભેટ આપવા સજ્જ બન્યો છે. લંગાટા
પાસે બે વર્ષ પહેલાં 50 કરોડ સિલિંગના
ખર્ચે પાંચેક એકરર ભૂમિ ખરીદાઈ હતી ત્યાં 18 ઓક્ટોબરે ભુજ મંદિરના સંતોના હસ્તે પૂજન સાથે કાર્યનું મંગળાચરણ
થનાર છે. કેન્યાવાસી સર્વે કચ્છીઓને લાગણીની સરવાણી છે. સેવાગંગાનો ભાગીરથ નાઈરોબી
લેઉવા પટેલ સમાજ છે. કાર્ય એટલું મોટું-વિશિષ્ટ અને મહત્ત્વાકાંક્ષી છે કે ન માત્ર
કચ્છ, પણ કેન્યા દેશના ઈતિહાસમાં સુવર્ણપૃષ્ઠ પામશે.
ઈ.સ. 1946 મોમ્બાસાએ કચ્છીઓને સમાજ શબ્દ
આપ્યો. ઈ.સ. 1953માં નાઈરોબી સમાજ સ્થપાયો ને
પછી સર્વે મળી ભુજમાં 1965માં સમાજ
નિર્માણ કર્યું. ત્યારના સંઘર્ષના સાક્ષી જૂજ વડીલો હયાત છે. સમાજ અસ્મિતાને પરોપકારના
શોણિતે સીંચનાર પેઢીના સંસ્કાર આત્મસાત કરનાર યુવાઓ કહે છે, અમારા વડીલોએ જે કંઈ મેળવ્યું અહીંથી મેળવ્યું
છે. આજે ઋણ ચૂકવવાનો અવસર છે. શિક્ષણ, આવાસ, રમતગમત ક્ષેત્રે ઘણું થયું છે, થનાર છે, પણ સ્થાનીય લોકો માટે આ ઐતિહાસિક પહેલ છે. કેન્યાએ કણબીઓને `સમાજ'
આપ્યો છે, તો સત્સંગના મૂળિયા પણ અહીં જ મજબૂત
થયાં છે જેમાં ભુજના નરનારાયણદેવની ચૂંદડી ઓઢેલા સંતોએ શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. શાત્રી
ધર્મજીવનદાસજી સ્વામીએ કરિયન્ગાનું મંદિર આપ્યું, તો તેમના જ
શિષ્ય પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીએ મોટી હિંમત સાથે લંગાટામાં કચ્છપ્રાંત સર્જી આપ્યો.
અહીં મંદિર નિર્માણના નિર્ણય માટે ઈતિહાસ તેમને સદૈવ યાદ રાખશે. તો મણિનગર સ્વામિનારાયણ
ગાદી સંસ્થાન, અબજીબાપા છતરડી, હનુમાનજી
ટ્રસ્ટ જેવી કચ્છીયતથી ફોરતી સંસ્થાઓ પણ સહયોગી છે. કચ્છ સત્સંગ અને પૂર્વ આફ્રિકા
મંદિરની નિશ્રા છે. ભુજ મંદિર મહંત ધર્મનંદનદાસજી સ્વામી, ઉપમહંત
ભગવદ્જીવન સ્વામી, પાર્ષદ જાદવજી ભગત, કોઠારી
દેવપ્રકાશ સ્વામી સહિત સર્વે સંતોના આશીર્વાદ છે. કચ્છપ્રાંત બાજુમાં લંગાટા લિન્ક
રોડ ટચ મોકાની પાંચેક એકર ભૂમિ બે વર્ષ પહેલાં 50 કરોડના માતબર ખર્ચે નાઈરોબી
સમાજે ખરીદી રાખી છે. કચ્છમિત્રની ટીમે અહીંની મુલાકાત લીધી ત્યારે રમતગમત સુવિધાનું
નિર્માણ થઈ રહ્યું હતું. સમાજના યુવા પ્રમુખ પ્રવીણભાઈ પિંડોરિયા મૂળ નારાણપર (રાવરી)ના
છે. સામાજિક સંસ્કાર છે, તેમના પિતા
વેલજીબાપા સંઘર્ષના સમયે ભુજ સમાજના પ્રમુખપદે સેવા આપી હતી. મોરના ઈંડાં ચીતરવા ન
પડે તે રીતે નેતૃત્વ લેનાર પ્રવીણભાઈ કહે છે, કેન્યામાં એમ.પી.
શાહ, આગાખાન સહિત ભારતીય મૂળના લોકોએ સ્થાપેલી હોસ્પિટલો દાયકાઓથી
સેવારત છે. હવે અમારે કર્મભૂમિનું ઋણ ચૂકવવું છે તે માટે સમાજ સજ્જ બન્યો છે. 18 ઓક્ટોબરે સંતોના હસ્તે ભૂમિપૂજન
સાથે કેન્યામાં કચ્છી કણબીની કર્મસાધનાનો સુવર્ણ ઈતિહાસ આલેખાશે. સમાજના મંત્રી નારાણભાઈ
વડોદરિયા, ટ્રસ્ટીઓ કાંતિભાઈ કેરાઈ, મનજીભાઈ રાઘવાણી, કુરજીભાઈ આસાણી, કિશોરભાઈ ભંડેરી, ધનજીભાઈ રાઘવાણી, પૂર્વાધ્યક્ષ અને શિક્ષણપ્રેમી દાતા આર. ડી. વરસાણી કહે છે, સૌ સાથે મળી સહિયારા પુરુષાર્થથી હોસ્પિટલ સર્જાશે અને રાહતદરે સેવાભાવથી ચલાવાશે.
શિક્ષણવિદ્ કેસરાભાઈ પિંડોરિયા, વિનોદભાઈ બાપાદયાળુ, અરવિંદ વેકરિયા, મંત્રી નારાણભાઈ વડોદરિયા સાથે રહ્યા
હતા. હાલ નાઈરોબી કચ્છપ્રાંતમાં કચ્છ સત્સંગ મંદિર દ્વારા હોસ્પિટલ કાર્યરત છે,
જેમાં ઓપીડી, પ્રસૂતિ, નાની
સર્જરીઓ, દવા, લેબોરેટરી છે. એક્સ-રે,
ફિઝિયોથેરાપી, દંત, બાળરોગ,
રસીકરણ સહિતની સુવિધા છે. લંગાટા મંદિર ચેરમેન હીરજીભાઈ સિયાણી કહે છે,
અહીં મંદિર દ્વારા પ્રાથમિક - માધ્યમિક તેમજ ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટી
કક્ષા છે, તો મંદિર અને સમાજે રાહતદરે આવાસ ઉપલબ્ધ કરાવ્યા છે.
ઈ.સ. 2010 પછી વેકરાના રામજી રત્ના વરસાણી, નારાણપરના ભીમજીભાઈ હાલાઈ, માધાપરના કરશન લાલજી વેકરિયા સહિતના સ્વર્ગસ્થ વડીલોએ નાઈરોબી શહેરના દક્ષિણે
બંજર જેવી ભૂમિ ખરીદી પહેલ કરી. અહીં મંદિર સર્જવા પ્રાર્થના કરી, જે દીર્ઘદૃષ્ટા સંતોએ સ્વીકારી આજનો નંદનવન સમો કચ્છપ્રાંત સાકાર થયો છે,
તે ક્રમે બાજુમાં સમાજ દ્વારા મામા આર. ડી. વરસાણી શિક્ષણ સંકુલ છે.
તે ક્રમે હવે મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણનો ર્તાતો તૈયાર કરાયો છે. તે માટે
સારી-ઉત્તમ સુવિધા માટે હોસ્પિટલોની મુલાકાત લઈ તૈયારી કરાઈ રહી છે. સમાજનું ધ્યેય
છે કે, રાહત દરે ઉત્તમ આરોગ્ય સેવા આપવી. કચ્છીઓના અપ્રતિમ ઔદાર્યનું
સાક્ષી આ આરોગ્યધામ સર્જાય તે માટે કેન્યામાં ઉમંગ પણ છે અને મક્કમ ઈરાદો પણ છે. સૂચિત
ભૂમિની મુલાકાતે આવેલા યુ.કે.ના માધાપરવાસી દતા સામજીભાઈ શિવજી દબાસિયા, યુ.કે. કોમ્યુનિટી અધ્યક્ષ માવજીભાઈ વેકરિયા, ગિરધરભાઈ
પિંડોરિયા, રવજીભાઈ વરસાણી (મોશી), અમદાવાદ
સમાજના પ્રમુખ કરશનભાઈ રાઘવાણી, માંડવી સમાજ પ્રમુખ માવજીભાઈ
પિંડોરિયા, ભુજ સમાજના સાચા સમાજસેવકો આર. આર. પટેલ, આર. એસ. હીરાણી, વિશ્રામભાઈ વરસાણી, અરજણભાઈ પિંડોરિયા, યુગાન્ડા પ્રમુખ જિતેશભાઈ વાઘજિયાણી
સહિત આફ્રિકાના એલ્ડોરેટ, કિસુમુ, નકુરું
સહિતનાં કેન્દ્રોના કચ્છીઓએ મોટાં કાર્યના મંગળાચરણને વધાવ્યું હતું.
વડીલોની ભાવના, યુવા પુરુષાર્થ
નાઈરોબી સમાજ વિશ્વવાસી કચ્છી કણબીઓનું ચાલકબળ છે. તેના યુવા
પ્રમુખ પ્રવીણભાઈ કહે છે, અમારે સૌએ
હવે કર્મભૂમિની પ્રથમ સેવા કરવી છે. અત્યાર સુધી કેન્યાવાસી કણબીઓએ 300થી વધુ નિશાળો જુદા જુદા જૂથ
કે ગામ સંગઠન મુજબ સર્જી સ્થાનિક બાળકોને અર્પણ કરી છે. 4000થી વધુ છાત્રોની ફી ભરી ભણાવી
રહ્યા છીએ. જ્ઞાતિના કોઈપણ કારણે આર્થિક ખેંચ ધરાવતા પરિવારોને માગવું પણ ન પડે તે
રીતે ઉદારદિલે શિક્ષણ-આરોગ્યમાં સાથસહકાર અપાય છે. હવે હોસ્પિટલ નિર્માણ સાથે આફ્રિકન
ઈતિહાસના નવયુગના મંડાણ થશે તે નક્કી છે.