• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

સિનિયર સિટીઝનોને ડિજીટલ અને બેન્કીંગ ફ્રોડથી બચવા માર્ગદર્શન અપાયું

ભુજ, તા. 22 : તમારી એક નાની સાવધાની તમારી આખી જીવનભરની કમાણી બચાવી શકે છે, માટે સતર્ક રહો અને સુરક્ષિત રહેવાનો અનુરોધ સીનીયર સીટીઝન દિવસ નિમિતે ડિજિટલ અને બાંકિંગ ફ્રોડ થી બચવા આઇસીઆઇસીઆઇ બેન્કના કચ્છ જિલ્લાના મેનેજર મંજીલ દોશીએ સિનિયર સિટિઝન્સને વ્યક્ત કર્યો હતો. રોટરી ક્લબ ઓફ ફ્લામિંગોના ઉપક્રમે રોટરી હોલ ખાતે ક્લબના સિનિયર સભ્ય વિમલ મહેતાના અધ્યક્ષ સ્થાને આયોજિત આ જાગૃતિ વક્તવ્ય કાર્યક્રમમાં કચ્છમિત્રના મેનેજર મુકેશ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા. બેંકના મેનેજર મંઝિલ જોશીએ વધુમાં કહ્યું કે આજકાલ ડિજિટલ એરેસ્ટ નામે મોટા ફ્રોડ થઈ રહ્યા છે,તેમણે દરેકને સાવધ કરતા જણાવ્યું કે કોઈપણ સરકારી એજન્સી વિડીયો કોલ ઉપર કોઈની પણ ધરપકડ કરતી જ નથી.માટે આવી પોકળ ધમકીથી ડરી જવાનું નથી, આ પ્રકારના ફ્રોડ સામે તુરત સાયબર પોલીસ હેલ્પલાઇન 1930 નો સંપર્ક કરવો એ જ શ્રેષ્ઠ ઉપાય છે. તેમણે વધુ જાણકારી આપતા જણાવ્યું કે, ડિજિટલ એરેસ્ટની માફક  ભાડૂતી બેક એકાઉન્ટ (મ્યુલ એકાઉન્ટ) ફ્રોડ પણ વધી રહ્યા છે.એટીએમ કાર્ડ, ઓટીપી વિગેરે  લાલચમાં આવીને કોઈને આપવા નહીં.પૈસાના લોભમાં આવીને લોટરી લાગી,ઓછા પૈસામાં ડબલ રિટર્ન અને ઓન લાઇન નોકરીની લાલચમાં તો ક્યારેય આવવું નહીં.એવી જ રીતે અજાણી વ્યક્તિને નાણા ટ્રાન્સફર કરતા સો વાર વિચાર કરવા ઉમેર્યું હતું.બાંકિંગ શિસ્તના ચુસ્ત પાલન  ઉપર પણ ભાર મૂક્યો હતો. અજાણી લિંક ખોલવા સામે લાલ બત્તી ધરી હતી. પ્રારંભમાં ક્લબના સેક્રેટરી કપિલભાઇ ગોરે ઉપસ્થિત તમામ આઈસીઆઈસીઆઈ બેંકના અધિકારીઓને આવકાર્યા હતા જીગર મહેતાએ મુખ્ય વક્તાનો પરિચય આપ્યો હતો.ક્લબના સિનિયર સભ્ય માલિંદ વૈદ્યએ પ્રતીક સ્વાગત કર્યું હતું. મહેશભાઈ પલણ, હરેશ ફફલ, ડો.કે.વી.પુજારા, દિનેશ રામાનુજ, વગેરેએ  ચર્ચામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે નાગર સમાજના પ્રમુખ અતુલ મહેતા,રોટરી ક્લબ ભુજના પ્રમુખ અશરફ મેમણ,મંત્રી ઉર્મીલ હાથી તેમજ  બેંકના બ્રાન્ચ મેનેજર જીગર ત્રિવેદી,ભાવેશ મીરાણી જિગ્નેય અંતાણી ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd