• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

પચ્છમના ખુલ્લા પટમાં `મીંહ નમાજ' પઢાવાઈ

સુમરાપોર (પચ્છમ), તા. 22 : ભુજ તાલુકાના સરહદી-પચ્છમ - બન્ની માલધારીઓના મુલકમાં પહેલા રાઉન્ડમાં થોડીક મેઘમહેર બાદ ભરચોમાસાના સિઝનનો અડધો શ્રાવણ મહિનો વીતી ગયો છે, છતા પણ રિસાયેલા મેઘરાજા મન મૂકીને નહીં વરસતાં હવે સૌ લોકો ચારેકોર ચિંતિત બન્યા છે. સૂર્યપ્રકાશ હોય કે વરસાદ હોય એ જ્યારે વરસે ત્યારે ધર્મ, પ્રાંત, જાતિ કંઈ વસ્તુ ન જુએ, તે  સર્વ માટે સર્વત્ર હોય જ... પણ રિસાયેલા મેઘરાજાને મનાવવા અને રીઝવવા માટે કુદરતને મનાવવા માટે મોટા દિનારા - ઢંઢી પાટિયા પાસે ત્રણ દિવસ ખાસ નમાજ પઢવા  બન્ની- પચ્છમથી 50થી વધુ ગામોના લોકો એકત્ર થયા જેને નમાજ-એ-ઈસ્તિસ્કા મીંહ નમાજ કહેવામાં આવે છે. અમીર મૌલાના યુનુસ જામઈએ નમાજ પઢાવી હતી. પચ્છમની ધરા હજી પણ પાણી વિના ટળવળી રહી છે - વિશાળ ડુંગરાળ પંથકની નદીઓના હજી પણ પાલર પાણીના વહેણનો ઈન્તજાર છે. પચ્છમના પશુઓ સૂકાંભઠ્ઠ તળાવો સામે  નિસાસા  નાખી આભ સામે મીટ છે. આ `મીંહ નમાજ'માં બધા લોકો ખુલ્લા મેદાનમાં એકત્ર થઈ - બે રકઆત નમાજ પઢી બે હાથ જોડી કુદરતને રીઝવવા માટે હવે અમારા મૂંગા ચોપાઓ પર રહેમ કરો તેવી આજીજી કરવામાં આવી હતી. મૌલાના યુનુસ જામઈએ પોતાના વકતવ્યમાં ઈન્સાનો તમે એક-બીજા ભાઈની ભૂલો માફ કરો અને હર જીવ પર તમે રહેમ કરશો તો જ કુદરત તમારા પર રહેમ કરશે અને મુશળધાર - અમન શાંતિવાળો વરસાદ તમારા પર નાઝિલ કરશે, અંતે મિંયાજી સુલેમાનએ દુવા ગુજારી હતી.

Panchang

dd