ગાંધીધામ, તા. 22 : કચ્છની અગ્રણી વ્યાપારી સંસ્થા
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સાત દાયકાથી વધુ સમયનાં યોગદાનને માન્યતા આપતાં મહાનગરપાલિકા
દ્વારા ચેમ્બર ભવનના માર્ગને જીસીસીઆઈ માર્ગનું નામકરણ કરાયું હતું તેમજ મહાપાલિકાના
પદાધિકારીઓનું સન્માન કરાયું હતું. આ વેળાએ ગાંધીધામના ભાવિ વિકાસની રૂપરેખાની ચર્ચા
કરવામાં આવી હતી. મુખ્ય અતિથિપદેથી બોલતાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ગાંધીધામ-કંડલા
સંકુલના સર્વાંગી વિકાસનો ઉલ્લેખ કર્યો હતો, વિવિધ ક્ષેત્રનાં વિકાસકામો અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, ચેમ્બર દ્વારા ઉઠાવવામાં આવતા પ્રશ્નો અને સૂચનો વિકાસયાત્રામાં માર્ગદર્શક
સાબિત થયા છે. તેમણે વધુમાં ઉમેરેલું કે, 375 કરોડના ખાતમુહૂર્ત પૈકી 135 કરોડના ખર્ચે ગ્રીન રિંગરોડનું કાર્ય પણ શરૂ થશે. પ્રવાસન ક્ષેત્રે
શિણાય ડેમને પ્રવાસનધામ તરીકે વિકસાવવાનું આયોજન હોવાની માહિતી આપી હતી. ચેમ્બર પ્રમુખ
તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે, 1953થી ચેમ્બર માત્ર વેપાર ઉદ્યોગના
પ્રશ્નોનાં નિરાકરણ માટે જ નહીં, પરંતુ
સમગ્ર ગાંધીધામ કંડલા સંકુલના વિકાસ માટે સતત કાર્યરત રહી છે. આ માર્ગનું નામકરણ માત્ર
સંસ્થાનું સન્માન નહીં પરંતુ હજારો વેપારીઓ, ઉદ્યોગકારો અને આગેવાનોના સંઘર્ષ-સમર્પણ
અને વિકાસલક્ષી વિચારસરણીને મળેલી સામૂહિક માન્યતા હોવાનું કહ્યું હતું. માનદમંત્રી
મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, ગાંધીધામ ચેમ્બર વિકાસ અને
જનહિત માટે સેતુરૂપ બની રહી છે અને વિવિધ ક્ષેત્રોમાં ચેમ્બરે આગેવાની લીધી છે. માર્ગનું
નામકરણ ભવિષ્યમાં વધુ જવાબદારી સાથે કાર્ય કરવાની પ્રેરણા આપતી ઘટના હોવાનું કહ્યું
હતું. ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા તરીકે ગાંધીધામના વિકાસની નવી યાત્રા શરૂ થઈ છે. શહેરી સુવિધાઓનાં
વિસ્તરણ દ્વારા ગાંધીધામને આધુનિક અને સુવ્યવસ્થિત શહેર તરીકે વિકસાવવા માટે સતત પ્રયાસો
થઈ રહ્યા હોવાનું જણાવી શહેરના વિકાસમાં ચેમ્બરનો
સહયોગ પ્રેરણાદાયક રહ્યો હોવાની લાગણી વ્યક્ત
કરી હતી. આ તબક્કે ગુજરાતમાંથી સ્કૂલ લેવલે અખિલ ભારતીય સ્કૂલ ક્રિકેટ સ્પર્ધામાં પસંદગી
પામનારા યુવા ખેલાડી પૂર્વ આનંદ ભટ્ટનું ચેમ્બર દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું હતું.
આ દરમ્યાન ચેમ્બર ભવનનાં પ્રાંગણમાં નિર્માણ પામેલા વોટર કન્ઝર્વેશન રેઈન વોટર રિચાર્જ
વેલનું નિરીક્ષણ કરાયું હતું. ડેપ્યુટી મેયર
નવીન જરૂ, કારોબારી ચેરમેન તેજસ શેઠ, કમિશનર
બી.ડી. દવેરા, શાસકપક્ષના નેતા ભરત મીરાણી, સુરેશ ધુવા, શહેર ભાજપ પ્રમુખ અલ્પેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, એસ.આર.સી.
ચેરમેન સેવક લખવાણી, માનદમંત્રી જતિન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર, ચેમ્બરના પૂર્વ પ્રમુખો ચંપાલાલ પારેખ, કે. એમ. ઠક્કર,
મોહન ધારશી, અભિષેક પારેખ, ધીરેન મહેતા, એલ.વી. મહેતા, અરજણભાઈ
કાનગડ, તેજા રામા કાનગડ, વાસણભાઈ આહીર,
મધુકાન્ત શાહ, સુરેશ શાહ, ભગવાનદાસ ગુપ્તા, ધીરેન છાયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ઉપપ્રમુખ દીપક પારખે આભારવિધિ કરી હતી.