નખત્રાણા, તા. 12 : લાંબા સમયથી તાલુકા મથક નખત્રાણા
શહેરને કનડતો મહત્વનો ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન ઉકેલવા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ દ્વારા
પ્રયત્નોના અંતે રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગ દ્વારા રૂા. 38.61 કરોડની રકમ મંજૂર થઈ હતી. શહેરના
વિશ્વકર્મા માર્કેટથી રામેશ્વર મોટી વિરાણીના ખુથા ડુંગર વિસ્તાર થઈ નાગલપર ગામનો ધોરીમાર્ગ
સાંકળતા રસ્તા સુધી વચ્ચે આવતી ખેડૂતોની વાડી, ખેતરની જમીન, કુવા, બોર મોટર સહિત
સાધનોની જમીન બાયપાસમાં આવે છે. બાયપાસ જમીન સંપાદનમાં નારાજ ખેડૂતોએ માપણી પ્રક્રિયામાં
ખેડૂતોને વિશ્વાસમાં લેવા વગર અંકિત કરેલી જમીનના ઈન્કાર કરી વિરોધ કરતા આવેદનપત્ર
પ્રાંત અધિકારી તથા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને આપી ખેડૂતોને થતી નુકસાનીના કારણે
બાયપાસ વિસ્તારની રિસર્વે કરવા મોટા નખત્રાણા, મોટી વિરાણી,
નાની વિરાણી, નાગલપર સહિતન ગામોના ખેડૂતોએ માંગ
કરી હતી. પત્રમાં બાયપાસ માટે સર્વે કરાયલી ખેડુતોને વિશ્વાસમાં લેવા વગર કરાઈ હોઈ.
ખેડૂતોની હાજરી અને વિશ્વાસમાં લઈ રિસર્વે કરવા, જ્યારે રિસર્વેની
કામગીરી કરવામાં આવી જે-તે વખતે ખેડુતોની ગેરહાજરીમાં
માપણીની જમીનમાં ખેડૂતોની માલિકીના કુવા, બોર, પાણીના ટાંકા, વૃક્ષોનું સમાવેશ થાય છે. જેનું વળતર આપવામાં
આવ્યું નથી. ખેડૂતોની જમીન સર્વેમાં કેટલી લેવાઈ અને કેટલી બાકી રહે છે. અને ક્યાંથી
રોડ પસાર થશે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. તથા બાયપાસ રોડની ઓરિજનલ એવોર્ડની નકલ
પણ આપવામાં આવી નથી. અને જે આપવામાં આવી છે. તે વોટસએપથી આપવામાં આવી છે. તે માટે રોડનું
કામ શરૂ થયા અગાઉ ખેડૂતોને પોતાના હક્ક માટે વધુ સમય આપી વાંધા રજૂ કરી શકે ઉપરાંત
સર્વે કરવામાં આવેલી પ્રક્રિયામાં જમીનની આકરણી યોગ્ય રીતે કરવામાં આવી નથી. તથા માપણીના
નિશાન માટેના પથ્થરો બધી જમીનોમાં લગાડવામાં આવ્યા નથી. સહિતના સાત પ્રશ્નોની વાંધા
અરજી બાબતે ખેડૂતોને યોગ્ય ન્યાય મળવા વિશ્વાસમાં લઈ રિસર્વે કરવા ખેડૂતોએ માંગ કરી
હતી. બાયપાસ રોડ નિર્માણની ગતિ પકડતી કામગીરીને જમીન સંપાદનનો ગ્રહણ લાગતા કામ વિલંબમાં
પડવાની ભિતિ ઊભી થઈ છે. ધારાસભ્ય જાડેજાને આવેદનપત્ર સોંપવામાં આવતા ખેડૂતોને ન્યાય
અપાવવા ખાતરી આપી હતી. આ સંદર્ભે વાંધા અરજીવાળા ખેડૂતોને સાથે લઈને કલેક્ટર અને માર્ગ-મકાન
વિભાગ કચેરીના ઈજનરેને મળી સમસ્યા નિવારવા રજૂઆત કરાઈ હતી. તેમજ ખેડૂતોનો આવેદનપત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને
ઈ-મેઈલથી મોકલ્યો હતો. હવે નખત્રાણા બાયપાસ પેચીદો પ્રશ્ન મુખ્યમંત્રીને ઉચ્ચકક્ષાએ
પહોંચ્યો છે.