નલિયા, તા. 12 : અબડાસા તાલુકાના વાયોર સ્થિત
સિમેન્ટ એકમ દ્વારા ફેલાવવામાં આવતાં પ્રદૂષણ અને સ્થાનિક મજૂરોનાં શોષણ સામે ભાજપના
જ ચૂંટાયેલા મહિલા સદસ્ય અને અબડાસા તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન
હીરબાઇ બુચિયાએ રણાશિંગું ફૂંક્યું છે. તેમણે આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ
પટેલને પત્ર પાઠવીને પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ
કરી હતી. મુખ્યમંત્રીને કરાયેલી લેખિત રજૂઆતમાં
હીરબાઇએ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે, અલ્ટ્રાટેક કંપનીના કોલસા યાર્ડમાં વારંવાર લાગતી આગ અને સિમેન્ટ સાયલોમાંથી
ઊડતી ઝેરી ભૂકી તેમજ ધુમાડાને કારણે વાયોર, ફુલાય અને આસપાસના
ગ્રામજનોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. સ્થાનિક લોકોમાં શ્વાસ, આંખ અને ચામડીના રોગોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. વધુમાં, ફેક્ટરીનું કેમિકલયુક્ત ગંદું પાણી વાયોર ગામનાં તળાવ અને અન્ય જળસ્ત્રોતોમાં
ભળતાં પીવાનાં પાણી અને ખેતીને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. કુલાય ગામની સીમમાં ઔદ્યોગિક
કચરાના મોટા ઢગલા ખડકવામાં આવ્યા હોવાથી ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યાં છે, જેની માઠી અસર પશુધન પર પણ પડી રહી છે. પર્યાવરણીય પ્રશ્નોની સાથે તેમણે સ્થાનિક
મજૂરોના શોષણનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે, વર્ષોથી કામ કરતા સ્થાનિક
મજૂરોને કોન્ટ્રાક્ટર પ્રથા હેઠળ દબાવીને શ્રમ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે છે અને
તેમના વેતનમાં પણ કોઈ વધારો કરવામાં આવતો નથી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ,
જિલ્લા કલેક્ટર, શ્રમ કમિશનર અને ખાણ-ખનિજ વિભાગ
સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ નકલ રવાના કરી તાકીદે તપાસની માંગ કરી છે. શાસક પક્ષના જ
મહિલા સદસ્ય દ્વારા પોતાની જ સરકારના મુખ્યમંત્રી સુધી કંપની વિરુદ્ધ આ પ્રકારે રજૂઆત
કરવામાં આવતાં સમગ્ર પંથકમાં ઊહાપોહ મચ્યો છે.