• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

ભુજમાં ચાલતાં ટ્રેઈલર પરથી પાઈપો પટકાતાં દોડધામ

ભુજ, તા. 12  : બુધવારે શહેરના હિલગાર્ડન તરફના વળાંક ઉપર પ્ર્રિન્સ રેસિડેન્સી પાસેના માર્ગે ચાલતાં ટ્રેઈલર પરથી લોખંડના ભારે પાઈપો પટકાતાં ધમધમતા માર્ગે દોડધામનો માહોલ સર્જાયો હતો, જો કે, ગંભીર અકસ્માત ટળ્યો હતો, પરંતુ રસ્તે પસાર થતી એક કારને નુકસાન સિવાય જાનહાનિ ટળી હતી. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ભુજ-મિરજાપર માર્ગ પર હિલગાર્ડન જવાના સર્કલ પાસે બપોરના અરસામાં ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર પૂરપાટ ઝડપે વળાંક લઈ રહેલું ટ્રેઈલર નંબર જીજે-12-સીવી-2621માંથી સોલાર ફિટિંગ માટે ઉપયોગમાં લેવાતા લોખંડના ભારેખમ પાઈપો પટકાતાં લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. પ્રાથમિક વિગતો મુજબ સોલાર પ્રોજેક્ટમાં વપરાતા આ પાઈપોને યોગ્ય રીતે બાંધવામાં ન આવતાં પટ્ટા તૂટી ગયા હતા, જેને પગલે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા, તો રસ્તા પરના પાઈપો વિખેરાઈ જવાથી થોડા સમય માટે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. બીજીતરફ આટલા લાંબા અને ભારે પાઈપોનાં વહનમાં સુરક્ષાના નિયમોનું છડેચોક ઉલ્લંઘન થતું હોવા છતાં સંબંધિત તંત્રો દ્વારા પગલાં ભરવામાં આવતાં ન હોવાથી ક્યારેક ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ પણ રાહદારીઓએ વ્યક્ત કરી હતી. દરમ્યાન આ માર્ગ પરથી પસાર થઈ રહેલી એક કાર ઉપર પાઈપો પડવાથી તેને નુકસાન થયું હતું જા ઁકે, કારચાલકનો આબાદ બચાવ થયો હતો. આ બનાવને પગલે પોલીસે ઘટના સ્થળે ટ્રાફિક નિયમનની કાર્યવાહી કરી ચાલકની પૂછતાછ સાથે બનાવની વિગતો મેળવી હતી. દરમ્યાન આ બનાવમાં જે કારને નુકસાન થયું છે, તેવા દહીંસરાના કારચાલક પ્રવીણભાઈ કારાએ કચ્છમિત્ર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, તેઓએ આ ટ્રેઈલર ચાલકની ટ્રાન્સપોર્ટ કંપની અને જેના પાઈપ હતા તે કંપનીના માલિકો પાસે કારના મામૂલી નુકસાનની ભરપાઈને બદલે આવા ગંભીર બનાવો ન બને તે માટે જોખમી અને ભારે વહન કરતી વખતે સુરક્ષાના નિયમોનું પાલન કરવાની લેખિતમાં બાંહેધરી આપવા જણાવ્યું હતું, પરંતુ બંનેએ જવાબદારી મુદ્દે ફેંકાફેંક કરી હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જિલ્લા કલેક્ટર દ્વારા શહેરના કેટલાક માર્ગો પર દિવસ દરમ્યાન મોટા અને ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ હોવા છતાં આવાં વાહનો પસાર થઈ રહ્યાં છે, તેમ છતાં પોલીસ સહિતના તંત્રની નજરે ચડતાં ન હોવાની ફરિયાદો જાગૃત નાગરિકો કરી રહ્યા છે. ખરેખર તો ભારે વાહનો  રાત્રિ દરમ્યાન જ પસાર થઈ શકે તેવા નિયમો બનાવવા જોઈએ.

Panchang

dd