• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

ભૂખી નદીના નવસર્જન સાથે કલા-વારસાનુંય જતન

મુંદરા, તા. 12 :  મુંદરા તાલુકાની જીવાદોરી સમી ભૂખી નદીનાં પુનર્જીવનનો પ્રોજેક્ટ આગળ ધપી રહ્યો છે અને પહેલા તબક્કાનું કામ આગામી ઓક્ટોબરમાં પૂર્ણ થયા બાદ સુશોભિત અને મિયાવાકી વનનું શરૂ થયેલું કામ  આગળ ધપશે, એ દરમિયાન હવે મુંદરા શહેરને જોડતી આ નદી પાસે ઇકો કલ્ચરલ રિવરફ્રન્ટનાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની બ્લૂપ્રિન્ટ તૈયાર થઈ ચૂકી છે. મુંદરા એ સમૃદ્ધિનો ભવ્ય વારસો ધરાવે છે, એની કલા- સંસ્કૃતિ અને હેરિટેજ સંરક્ષણના મહત્ત્વાકાંક્ષી વિચાર સાથેનો આ પ્રોજેક્ટ વિશ્વસ્તરીય આર્કિટેક્ટ દ્વારા ઘડાયો છે અને ભવિષ્યમાં તેના લોકભાગીદાર દ્વારા સાકાર કરવાની સંકલ્પબદ્ધતા મુંદરાના અગ્રણીઓ સમક્ષ મુકાઇ હતી. ગ્લોબલ કચ્છ -  કચ્છમિત્રના ઉપક્રમે દીનદયાળ પોર્ટ ઓથોરિટીના માતબર આર્થિક સહયોગથી આકાર લેતા ભૂખી નદી પુનર્જીવન પ્રોજેક્ટની પ્રગતિની વિગતો આપવા સાથે શહેરની જાણીતી સુરભિ હોટેલના કોન્ફરન્સ હોલ ખાતે આયોજિત મિલનમાં હવે પછીના મુંદરા શહેરને જોડતા પ્રોજેક્ટની પરિકલ્પના રજૂ થઈ હતી, જેને ખાસ ઉપસ્થિત મુંદરા-બારોઈ નગરપાલિકાના પ્રમુખ તેમજ તમામ હોદ્દેદારો તેમજ મુંદરાના આગેવાનોએ આવકારી સહકારની ખાતરી ઉચ્ચારી હતી. પર્યાવરણ અને સંસ્કૃતિને જોડતા પ્રોજેક્ટનું સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનાજિંગ ટ્રસ્ટી અને ગ્લોબલ કચ્છના અધ્યક્ષ હાર્દિકભાઈ મામણિયાએ પ્રસ્તુતીકરણ કર્યું હતું અને કહ્યું કે, સ્વીડનની સરકાર સમક્ષ પણ આ પ્રોજેક્ટ મુકાયો છે, એમની આધુનિક જળસંરક્ષણ અને પર્યાવરણ ટેકનોલોજી પણ આપણે અપનાવી શકીએ તેમજ આ પ્રોજેક્ટ દેશની એક વિશિષ્ટ ફ્લેગશિપ યોજના તરીકે સાકાર કરવાનો નિર્ધાર છે. આ નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ છે અને કેમ વધુ શ્રેષ્ઠ આપી શકાય તેવા પ્રયાસ આગળ વધશે. ખેંગારસાગર ડેમથી હારબંધ બાર ગામને જોડતા હેરિટેજ કોરિડોરનું પણ આયોજન છે, જેમાં મુંદરાના સમૃદ્ધ વારસાની ઝલક હશે અને સૌનો સાથ -સહકાર આવશ્યક રહેશે. યોજનમાં પ્રતિભાવ અને સૂચનો આવકાર્ય છે. આ તબક્કે ખાસ ઉપસ્થિત મુંદરા-બારોઇના નગરપાલિકા પ્રમુખ ભોજરાજભાઈ ગઢવીએ આ પ્રોજેક્ટને મુંદરાનાં પર્યાવરણ અને જનજીવનને સ્પર્શતો શ્રેષ્ઠ વિચાર ગણાવી સુધરાઈ વતી સહકારની ખાતરી ઉચ્ચારી હતી. પૂર્વ પ્રમુખ કિશોરાસિંહ પરમારે પણ આયોજનની સરાહના કરીને મુંદરામાંથી કંપનીઓ ઘણી કમાણી કરે છે, ત્યારે એમના સીએસઆર ફંડને પણ જોડવા સૂચન કર્યું હતું. પૂર્વ અધ્યક્ષા રચનાબેન જોશીએ મુંદરામાં સ્પોર્ટસ સંકુલ તો આકાર લઈ રહ્યું છે, ત્યારે બાકીની ઇન્ડોર રમતો સમાવવા સૂચન કર્યું હતું. દંડક દિલીપ ગોરે ગ્રીન બેલ્ટના અમલ પર ભાર મૂક્યો હતો. કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડે કહ્યું કે, ગ્લોબલ કચ્છ- ડીપીએનો આ પ્રોજેક્ટ મુંદરા માટેનું મોટું કામ છે અને એમાં સમગ્ર કચ્છ અને મુંદરા નગરનો સહયોગ મળ્યો છે અને મળતો રહેશે એવો વિશ્વાસ છે. આ પહેલાં કચ્છમિત્રના મેનેજર મુકેશભાઈ ધોળકિયા દ્વારા સૌને આવકાર અપાયો હતો. ગ્લોબલ કચ્છના સીઈઓ અરુણ જૈન દ્વારા પ્રોજેક્ટની વિશિષ્ટતાઓ સમજાવવા સાથે આ સંવાદનાં આયોજનમાં સહકાર બદલ વરિષ્ઠ ધારાશાત્રી ભોગીલાલભાઈ ચાવડા તેમજ સમગ્ર સુરભિ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સંવાદમાં ઉપપ્રમુખ આશાબેન સોરઠિયા, કારોબારી ચેરમેન ધર્મેન્દ્રાસિંહ ઝાલા, પ્રકાશ પાટીદાર, હિરેન સાવલા, ભૂપેન્દ્ર મહેતા, ગ્લોબલ કચ્છના ટ્રસ્ટીઓ જયંતીભાઈ મામણિયા, ઊર્મિલ ગાલા, વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર અશોક ચૌધરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટનું પીપીટી સ્લાઈડ દ્વારા આર્કિટેક્ચર્સ હિનલ ભગત, અજય ગણાત્રા, માનસી ભટ્ટ દ્વારા નિર્દેશન કરાયું હતું અને પ્રોજેક્ટની વિશેષતાઓ એક્ઝિબિશન સેન્ટર, આર્ટ એન્ડ ક્રાફટ સેન્ટર, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, ફૂડ કોર્ટ, મુંદરાની ઓળખ ખારેકની જાતો સાથેનું પ્રવેશદ્વાર, વરસાદી પાણી સંગ્રહ, બેન્કવેટ હોલ, કિડ્ઝ એરિયા, હેરિટેજ કોરિડોર, મુંદરાની જીવંત સંસ્કૃતિ, કલાત્મક ઇમારતો, બાંધણી, કમાંગરી કલાનું સંરક્ષણ અને નિદર્શન વ્યવસ્થા ઊભી કરવા સહિતની  ઝલક આપી હતી અને તારાવવામાં આવેલા અલગ -અલગ સ્થાનો વિકસાવવા પર વિચાર વહેતો મૂક્યો હતો.

Panchang

dd