ભુજ, તા. 12 : કચ્છમાં ચોમાસું સત્તાવાર રીતે
બેસી ગયાને એક માસ કરતાં વધુનો સમય વીતી ચૂક્યો હોવા છતાં ચોમાસાંનું પ્રદર્શન એકંદરે
નબળું જોવા મળી રહ્યું છે. જિલ્લામાં સામાન્ય રીતે જેટલો વરસાદ પડવો જોઈએ, તેના કરતાં 4પ ટકા ઓછો વરસાદ અત્યાર સુધી વરસ્યો છે.
કચ્છમાં અત્યાર સુધી 30 ટકા વરસાદ
જ પડયો છે. બે તબક્કામાં હળવોથી મધ્યમ વરસાદ અત્યાર સુધી વરસ્યો છે. જિલ્લામાં રાપરને
બાદ કરતાં બાકીના તમામ તાલુકાઓમાં 50 ટકાથી પણ ઓછો વરસાદ
પડયો છે. એટલે કે, જિલ્લાનો મોટા
ભાગના વિસ્તારમાં સરેરાશથી અડધી મેઘકૃપા પામવામાં વંચિત રહ્યા છે.
કચ્છમાં વરસાદની 4પ ટકા ઘટ
ભારતીય હવામાન વિભાગ દ્વારા મળેલી સત્તાવાર વિગત પર એક નજર કરીએ, તો જિલ્લામાં સામાન્ય રીતે અત્યાર સુધી 244 મિ.મી. વરસાદ પડવો જોઈએ, તેના બદલે અત્યાર સુધી કચ્છમાં 12પ મિ.મી. વરસાદ વરસ્યો છે. એટલે કે, વર્તમાન સ્થિતિએ કચ્છમાં વરસાદની 4પ ટકાની ઘટ જોવા મળી રહી છે. રાજ્યમાં જિલ્લાવાર
જોવા જઈએ, તો વરસાદની ઘટ બાબતે કચ્છ રાજ્યમાં ચોથા નંબરે
છે. સૌથી વધુ 8પ ટકાની દેવભૂમિ
દ્વારકામાં, તો એ બાદ 68 ટકાની ઘટ પોરબંદર અને પ0 ટકાની ઘટ જામનગર જિલ્લામાં જોવા મળી છે.
પાંચ તાલુકામાં સ્થિતિ વધુ ચિંતાજનક
કચ્છના નવ તાલુકામાં 50 ટકાથી ઓછો વરસાદ અત્યાર સુધી વરસ્યો છે, પણ આ નવ પૈકીના પાંચ તાલુકામાં 2પ ટકાથી પણ ઓછો વરસાદ નોંધાતાં સ્થિતિ વધુ
ચિંતાજનક જોવા મળી રહી છે. કચ્છમાં સૌથી ઓછો માત્ર 10 ટકા વરસાદ અબડાસામાં પડયો છે. આ ઉપરાંત મુંદરા, લખપત, અંજાર અને માંડવી
તાલુકામાં સરેરાશનો ચોથા ભાગનો વરસાદ પણ હજુ સુધી પડયો નથી.
વિપરીત પરિબળો બની રહ્યા છે અવરોધક
વાતાવરણમાં ભેજનું ઓછું પ્રમાણ, સતત ફુંકાતા સુકા પવનો અને સક્રિય સિસ્ટમ કચ્છ
સુધી પહોંચે તે પૂર્વે નબળી પડવા કે ફંટાઈ જવા સહિતના વિપરીત પરિબળો સારી મેઘમહેર માટે
અવરોધક બની રહ્યા હોવાનું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે. આગામી દિવસોમાં આ સ્થિતિ
સુધરે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
અત્યાર સુધી વરસેલો વરસાદ
તાલુકો વરસાદ
મિ.મી.માં
અબડાસા 47
અંજાર 07
ભચાઉ 188
ભુજ 1પ6
ગાંધીધામ 1પ9
લખપત 7પ
માંડવી 91
મુંદરા 142
નખત્રાણા 13પ
રાપર 362
વરસાદના સાર્વત્રિક રાઉન્ડ માટે કચ્છે હજુ રાહ જોવી પડશે
હળવા વરસાદની આગાહી વચ્ચે મેઘવિરામ યથાવત્
ભુજ, તા. 12 : કચ્છમાં છેલ્લા દસેક દિવસથી
વરસાદના વિરામની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે કચ્છને હજુ સાર્વત્રિક વરસાદના રાઉન્ડ
માટે રાહ જોવી પડશે તેવું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જિલ્લાના
કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસે તેવી આગાહી વચ્ચે મેઘવિરામની સ્થિતિ યથાવત્ રહી
હતી. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ મોટાભાગે વાદળછાયું રહેવા સાથે વરસાદની
ગેરહાજરીમાં ઉકળાટનો અનુભવ થયો હતો. ભુજમાં 33.8 અને કંડલા (એ.)માં 33.2 ડિગ્રી મહત્તમ સામે લઘુતમ પારો 25થી 27 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. હવામાન નિષ્ણાતોના મતે રાજ્યના કેટલાક
વિસ્તારમાં હાલ મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જો કે, કચ્છ સુધી સાર્વત્રિક સારી મેઘવૃષ્ટિ લાવે તેવી
કોઇ વરસાદી સિસ્ટમ નજીકના દિવસોમાં સર્જાય તેવી શક્યતાઓ ઓછી દેખાઇ રહી છે. એટલે કે
પાછોતરી સારી મેઘકૃપા માટેનો કચ્છનો ઇંતજાર લંબાશે તેવું હાલના સંજોગો ઉપરથી લાગી રહ્યું
છે. કચ્છમાં વરસાદને તાણી લાવે તેવી સિસ્ટમના અભાવ સાથે કેટલાક વિપરિત પરિબળોનાં કારણે
મેઘવર્ષા માટે અવરોધની સ્થિતિ ઊભી થઇ છે.
વરસાદની તાલુકાવાર ટકાવારી
તાલુકો ટકાવારી
અબડાસા 10
અંજાર 17
ભચાઉ 38
ભુજ 32
ગાંધીધામ 33
લખપત 20
માંડવી 16
મુંદરા 24
નખત્રાણા 27
રાપર 67