ભુજ, તા. 14 : મંગળવારે અનુદાનિત શાળાઓના ઉચ્ચતર માધ્યમિક વિભાગના 25 શિક્ષણ સહાયકને પૂરા પગારના
આદેશ સાથે કચ્છી નવા વર્ષની આગોતરી ભેટ અપાતાં આ કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ હતી.
પાંચ વર્ષ પૂર્ણ થવાના દિવસે જ પૂરા પગારના આદેશ મળતાં શિક્ષકોએ અત્યંત રાજીપો વ્યક્ત
કર્યો હતો. આ અગાઉ સરકારી માધ્યમિક વિભાગના 84 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના 48 તેમજ અનુદાનિત શાળાઓના 11 એમ કુલ 143 શિક્ષકને પૂરા પગારમાં સમાવવાના
આદેશ આપવામાં આવ્યા હતા. આજે પૂરા પગારના આદેશ મેળવનારા શિક્ષકોએ કચ્છી નવા દિવસની
આગોતરી ભેટ ગણાવી જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર અને સમગ્ર ટીમનો આભાર માન્યો હતો, વધુમાં તમામ 25 શિક્ષકે એકસૂરમાં જણાવ્યું
હતું કે, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી કચ્છે ઉત્તમ અને
પારદર્શક વહીવટનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડયું છે. આદેશ વિતરણમાં આચાર્ય સંઘના
અધ્યક્ષ ચેતનભાઈ બારમેડા, પ્રમુખ રણજિતસિંહ જાડેજા, ઉચ્ચતર માધ્યમિક સંઘના પંકજભાઈ
દહીંસરિયા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નયનભાઈ વાંઝા,
અલ્પેશભાઈ જાની, માધ્યમિક સંઘના મનીષભાઈ પટેલ, ભાવેશભાઈ ઉપાધ્યાય,
બ્રિજેશભાઈ ઠક્કર, અજિતભાઈ ભાનુશાલી, બિનસરકારી સંઘના બલવીરાસિંહ રાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ નિરીક્ષક
પૃથ્વીરાજસિંહ ઝાલા, મહેશદાન ગઢવી, સિનિયર
ક્લાર્ક બિપિનભાઈ નાગુ અને ટીમે વ્યવસ્થા સંભાળી હતી.