ગાંધીધામ, તા. 14 : શહેરનાં રેલવે મથક નજીક એક
કારમાંથી પૂર્વ કચ્છ એલ.સી.બી.એ રૂા. 4,10,820નો અંગ્રેજી શરાબનો જથ્થો પકડી પાડયો હતો. જો કે, આ કાર્યવાહી દરમ્યાન એકેય આરોપી હાથમાં આવ્યો
ન હતો. પૂર્વ કચ્છમાં ગત રાત્રે એસ.એમ.સી.ની ટીમ લટાર મારી રહી હોવાનું સપાટી ઉપર આવતાં
સ્થાનિક પોલીસે કમર કસી હતી અને ઠેક-ઠેકાણે નાકાબંધી કરવામાં આવી હતી અને પેટ્રોલિંગ
વધારી દેવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. દરમ્યાન અન્ય રાજ્યમાંથી
દારૂ ભરેલી કાર ગાંધીધામ આવી હોવાની પૂર્વ બાતમીના આધારે એલ.સી.બી.એ તેની શોધખોળ કરી
હતી. દરમ્યાન શહેરના રેલવે મથક નજીક સર્વિસ રોડ ઉપર રહેલી એક કાર શંકાસ્પદ જણાઇ આવી
હતી. આ કારમાંથી આરોપી નાસી છૂટયો હતો. દરમ્યાન કારની તપાસ કરાતાં તેમાં દારૂ હોવાનું
બહાર આવ્યું હતું. કાર નંબર જીજે-08-સીસી-9839માંથી પોલીસે
ગ્રીન લેબલની 750 મિ.લી.ની 300 બોટલ, 8 પીએમના 180 મિ.લી.ના 1344 ક્વાર્ટરિયા, આર.જે. ગ્રીનના 144 ક્વાર્ટરિયા અને કિંગ ફિશરના
264 ટીન એમ કુલ રૂા. 4,10,820નો શરાબ હસ્તગત કરવામાં આવ્યો
હતો. સાથોસાથ વીમાની પોલિસીનું કાગળ જેમાં બનાસકાંઠા આર.ટી.ઓ.નું તથા રત્નારામ લખેલું
હોવાનું બહાર આવ્યું હતું, તે પણ જપ્ત
કરવામાં આવ્યું હતું. આ દારૂ અહીં કોશ લાવ્યું હતું ? કોણે મોકલાવ્યું હતું ? અને કોણ લેવા આવવાનો
હતો ? તે બહાર આવ્યું નથી જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી
છે.