• બુધવાર, 15 જુલાઈ, 2026

નાની ચીરઇમાં યુવતીએ ગળેફાંસો ખાઇ જીવ દીધો

ગાંધીધામ, તા. 14 : ભચાઉના નાની ચીરઇમાં સુગરાબાઇ ઉસ્માન ભટ્ટી (ઉ.વ. 18) નામની યુવતીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. બીજીબાજુ મેઘપર બોરીચીમાં ટ્રેનમાં આવી જતાં અંકિત રામરતન તોમર (ઉ.વ. 23) નામના યુવાને જીવ ખોયો હતો. નાની ચીરઇમાં ગઇકાલે ઢળતી બપોરે અપમૃત્યુનો બનાવ બન્યો હતો. અહીં રહેનાર સુગરાબાઇ નામની યુવતી પોતાના ઘરે હતી દરમ્યાન તેણે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ અંતિમશ્વાસ લીધા હતા. પોલીસે બનાવ અંગે નોંધ કરી બનાવ પછવાડેનું કારણ જાણવા આગળની વધુ તપાસ હાથ ધરી છે. વધુ એક જીવલેણ બનાવ મેઘપર બોરીચીમાં રેલવે ફાટક પાસે બન્યો હતો. મેઘપર બોરીચીમાં રહેનાર પરપ્રાંતીય યુવાન અંકિત તોમર ગઇકાલે પાટા બાજુ હતો દરમ્યાન, કોઇ કારણોસર ટ્રેનની હડફેટે ચડતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી જેમાં તેનું મોત થયું હતું. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd