અમદાવાદ, તા.14 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના બે દિવસ અગાઉ ગુજરાત એટીએસ દ્વારા સિદ્ધપુરમાં જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શનના કેસમાં પૂછપરછ માટે પાંચ સંદિગ્ધ યુવકોની અટકાયત કરી છે. અગાઉ 3 જુલાઈએ એટીએસ દ્વારા મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું જેમાં ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી પ્રતિબંધિત આતંકી સંગઠ્ન સાથે સંપર્કમાં ધરાવતા આઠ આતંકીઓની ધરપકડ કરી હતી. આ કેસની તપાસને આગળ ધપાવતા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સોમવારે મોડી સાંજે સિદ્ધપુરમાં કથિત રીતે જૈશ સાથે સંબંધ ધરાવતા પાંચ લોકોની ઓળખ કરી તેમની અટક કરાઈ છે અને પૂછપરછ ચાલી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ એટીએસની ટીમે સિદ્ધપુર તાલુકાના ચાટવાડા ગામમાં અગાઉ ઝડપાયેલા આતંકી મોહમ્મદ અમિન શેરાના પરિવારજનોની પૂછપરછ કરી હતી. આ ઉપરાંત એટીએસની ટીમે સિદ્ધપુરના ઝાપડીપોળ વિસ્તારમાં કેટલાક વેપારીની પૂછપરછ પણ કરી હતી. શેરાએ અહીંની દુકાનમાંથી શું ખરીદ્યું હતું તે બાબતની તપાસ કરવા એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. એટીએસના સૂત્રોના મતે ગુપ્તચર તંત્રની મદદથી હાલમાં કેટલાક લોકોની અટક કરાઈ છે અને નવી ધરપકડ કરવામાં આવી નથી. સૂત્રો મુજબ શેરાએ આ વિસ્તારમાં આવેલી દુકાનમાંથી રમકડામાં વપરાતી બેટરીઓ ખરીદી હોવાના આશંકા છે. ઝાંપલીપોળ ખાતે આવેલી નૂરાની ટેલર્સમાંથી એક શંકાસ્પદ વ્યક્તિને ડીટેન કરાયો હતો. ત્યારબાદ મંગળવારે વધુ ઈસમોની અટક કરાઈ છે. પાંચ જેટલા શખસોને પૂછપરછ માટે અમદાવાદ લાવવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. એટીએસ આ સંદિગ્ધોની ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ વધુ વિગતો જાહેર કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, 3 જુલાઈના ગુજરાત એટીએસ દ્વારા બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ અને દેવાસ જિલ્લામાંથી કુલ આઠ શંકાસ્પદોની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન આ લોકોના જૈશ-એ-મોહમ્મદ સાથે તાર જોડાયેલા હોવાનું જણાયું હતું. તેમની પાસેથી મોબાઈલમાંથી આતંકી સાહિત્ય જપ્ત કરાયું હતું અને તેઓ પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હોવાની વિગતો પણ સામે આવી હતી.