• બુધવાર, 15 જુલાઈ, 2026

કચ્છમાં સંભવિત અછત માટે કવાયત શરૂ

ભુજ, તા. 14 : ચાલુ વર્ષ દરમિયાન કચ્છ જિલ્લામાં હજુ સુધી નોંધપાત્ર વરસાદ ન થતાં આગામી સમયગાળામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઘાસચારાની અછત સર્જાવાની સંભાવના રહેલી છે. પરિસ્થિતિની સમીક્ષા કરી સંભવિત ઘાસની અછતની સ્થિતિને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે વિવિધ વિભાગો વચ્ચે સંકલન માટે કવાયત શરૂ કરાઇ હતી. જરૂરી આયોજન અંગે ચર્ચા-વિચારણા કરવા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જો અછતની પરિસ્થિતિ સર્જાઈ તો પશુપાલકોને કચ્છમાં જ ઘાસચારો મળી રહે અને તેમને પશુઓ સાથે અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર ન કરવું પડે તે હેતુથી, ગામડાઓના ક્લસ્ટર દીઠ ઘાસ ઉપલબ્ધ કરાવવા સહિતની બાબતો પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.ક ચ્છ જિલ્લા કલેક્ટરએ સમગ્ર જિલ્લાના તમામ ઘાસ ગોડાઉનોમાં ઉપલબ્ધ ઘાસના જથ્થાની વિગતો મેળવી હતી. અગાઉના વર્ષોમાં સર્જાયેલી અછતની પરિસ્થિતિ વખતે કરવામાં આવેલા ઘાસ વિતરણના આયોજન અંગે પણ તેમણે જાણકારી મેળવી હતી અધિકારીઓને માર્ગદર્શન આપતા કલેક્ટરે જણાવ્યું હતું કે, જો અછતની પરિસ્થિતિનું નિર્માણ થાય તો તમામ પશુપાલકોને રાહતદરે ઘાસ મળી રહે તેનું આયોજન જરૂરી છે. વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને ઘાસચારાની ઉપલબ્ધતા, વિતરણ વ્યવસ્થા તેમજ મામલતદાર કક્ષાએથી પશુપાલકોને નિયમાનુસાર બનાવી આપવામાં આવતા `ઘાસકાર્ડ' જોગવાઈઓ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. વધુમાં, કલેક્ટરે જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારો અને મહત્તમ પશુપાલકો ધરાવતા વિસ્તારોની ઓળખ કરવા સૂચના આપી હતી. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયા, ભુજ આર.ટી.ઓ. અનિલ ગોસ્વામી, પશ્ચિમ કચ્છના નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કર, બન્નીના નાયબ વન સંરક્ષક નેવીલ ચૌધરી, જિલ્લા પશુપાલન અધિકારી આર.ડી.પટેલ, પુરવઠા અધિકારી ચિરાગ નિમાવત, જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણાસિંહ વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષક વિશ્વા શાહ સહિત પીજીવીસીએલ, મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

Panchang

dd