• બુધવાર, 15 જુલાઈ, 2026

ચાંદીપુરા વાયરસને લઈ કચ્છનું આરોગ્ય તંત્ર સતર્ક

ભુજ, તા. 14 : ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસના નોંધાયેલા કેસોને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં સઘન સર્વેલન્સ, જનજાગૃતિ અને જરૂરી તકેદારીનાં પગલાં હાથ ધરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓને સતર્ક રહેવા તથા શંકાસ્પદ દર્દીઓની વહેલી ઓળખ, તાત્કાલિક સારવાર અને રિફરલ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે 14 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં ગંભીર અસર કરી શકે છે, તેથી માતા-પિતાએ બાળકોને સંપૂર્ણ શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવવાં, મચ્છરદાનીનો ઉપયોગ કરાવો, ઘર અને આસપાસ સ્વચ્છતા જાળવવા તથા રેતી માખી, અન્ય જીવાતોથી બચવા ખાસ ધ્યાન રાખવા સૂચના અપાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને આયુષ્માન આરોગ્ય મંદિરોમાં તાવ સહિતના લક્ષણો ધરાવતા દર્દીઓ પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. આશા, એએનએમ અને મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરો દ્વારા ગામડાંઓમાં ઘર-ઘર જઈ જનજાગૃતિ અને સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. બાળકને અચાનક તાવ, ઊલટી, ખેંચ, બેભાન થવું અથવા અસામાન્ય વર્તન જેવા લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકની સરકારી આરોગ્ય સંસ્થાનો સંપર્ક કરવાની સાથે કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગે અફવાઓથી દૂર રહી માત્ર આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અનુરોધ કર્યો છે. 

Panchang

dd