• બુધવાર, 15 જુલાઈ, 2026

રાજાશાહીના રાવરી ઊંટોને પાંજરાપોળને સોંપવાને બદલે ઊંટ ઉછેર કરતા માલધારીઓને સુપરત કરો

રમેશ ભટ્ટી દ્વારા : ભુજ, તા. 14 : રાજાશાહીના રાવરી ઊંટોને પાંજરાપોળને સોંપવાને બદલે ઊંટ ઉછેર કરતા માલધારીઓને સુપરત કરી દેવા કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન અને જીવદયાપ્રેમીઓની પશુપાલન મંત્રી, કચ્છી મંત્રી સમક્ષ રજૂઆત કરાઈ છે. તાજેતરમાં ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગ હસ્તક્ના ઢોરી ઊંટ ઉછેર કેન્દ્રમાં ઊંટોની સંખ્યા વધી જતા, નિયામક પશુપાલન દ્વારા છ સભ્યોની એક સમિતિની રચના કરી તે સમિતિનાં માધ્યમથી રાજ્ય સરકાર હસ્તકના કચ્છી નસલના રાવરી તરીકે ઓળખાતા આશરે 100 જેટલા ઊંટ રાપર પાંજરાપોળ ખાતે મોકલી દેવાયા છે. ખાસ કરીને બન્ની વિસ્તાર, છારી-ઢંઢ અને પાવર પટ્ટીના કાંઠાળ વિસ્તારના ખુલ્લા ચરિયાણોમાં મુક્ત રીતે વિહરતા કચ્છી ઊંટને તેમની કુદરતી ઉછેરની પદ્ધતિથી અલગ, મુક્ત ચરિયાણથી દૂર અચાનક પાંજરાપોળ કે જ્યાં બીમાર 5શુઓને રાખવામાં આવતા હોય તેવી વ્યવસ્થામાં મૂકી દેવામાં આવે તો એ જીવદયા અને ઊંટ ઉછેરની કુદરતી પ્રકૃતિની તદ્દન વિપરીત પરિસ્થિતિ છે. રાજ્ય સરકારના પશુપાલન હસ્તક સંચાલિત ઢોરી ઊંટ ઉછેર કેન્દ્રમાં ઉછરતા ઊંટોને નિર્વાહ માટે રાજ્ય સરકાર પર આવતા આર્થિક ભારણને ઓછું કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારને આર્થિક ભારણને ઓછું કરવા ઊંટને ઢોરી કેન્દ્રમાંથી મુક્ત કરવાનો નિર્ણય યોગ્ય હોઈ શકે પરંતુ, ઊંટને પાંજરાપોળમાં મોકલી દેવા એ વિકલ્પને યોગ્ય અને વાજબી વિકલ્પ ન માની શકાય, અને એટલે જ કચ્છના ઊંટ માલધારીઓ અને ઊંટ ઉછેર સાથે સંકળાયેલા કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન અને અન્ય જીવદયાપ્રેમીઓ કચ્છી ઊંટોને પાંજરાપોળથી મુક્ત કરવા  પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી, કચ્છી મંત્રી ત્રિકમભાઈ છાંગા વિગરે પાસે તેમજ વિવિધ સ્તરે રજૂઆતો કરી રહ્યા છે.કચ્છની રાવરી તરીકે ઓળખાતી કચ્છી નસલના ઊંટોની ખડતલ પ્રજાતિનાં મહત્ત્વને ધ્યાનમાં રાખીને આ નસલને સંરક્ષિત કરવા ઈ.સ. 1947માં કચ્છ રાજનું ભારતમાં વિલીનીકરણ થયા પછી કચ્છ જ્યારે વિશિષ્ટ સી સ્ટેટસ ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો ત્યારે મહારાવની ઊંટોને તત્કાલીન સરકાર દ્વારા સંરક્ષિત કરવા માટે ઢોરી ખાતે ઊંટ ઉછેર કેન્દ્રની સ્થાપના કરવામાં આવી અને તેના માટે વિશાળ જમીન ફાળવવામાં આવી, મહેકમ ફાળવવામાં આવ્યું અને તે પરંપરા આજે પણ ચાલી રહી છે.ઉલ્લેખનીય છે કે કચ્છમાં છેલ્લા આઠ વરસથી કેમલ મિલ્ક ડેરી, સરકાર દ્વારા નિયમિત રસીકરણ કાર્યક્રમો અને નિયમિત વરસાદને કારણે ઊંટોની સંખ્યા વધી રહી છે. કચ્છમાં કેમલ મિલ્ક ડેરી વિકસિત કરવાને કારણે અનેક માલધારી યુવાનો આ વ્યવસાયમાં જોડાયા છે. જેથી માદા ઊંટોની કિંમત ચાલીસ હજારથી પચાસ હજાર જેટલી થઈ ગઈ છે. કચ્છના માલધારીઓ છેક જામનગર, રાજકોટ, ભાવનગર અને ખંભાત તરફથી  કચ્છી અને ખારાઈ ઊંટોની ખરીદી કરીને કચ્છ લઈ આવે છે. 

Panchang

dd