• બુધવાર, 15 જુલાઈ, 2026

કચ્છમાં મધ્યમ-નાની સિંચાઈના 125 ડેમ તળિયાંઝાટક

ભુજ, તા. 14 : કચ્છમાં જૂન માસ વરસાદ વિહોણો કોરોધાકોડ પસાર થયા બાદ જુલાઈનાં પ્રથમ પખવાડિયા દરમિયાન પણ માત્ર ઝાપટાંરૂપી વરસાદ કેટલાક વિસ્તારમાં પડયો છે. જિલ્લામાં  હજુ સુધી બે ટકા વરસાદ પણ માંડ પડતાં જળસંકટની સ્થિતિ દિવસે ને દિવસે ઘેરી બનતી જોવા મળી રહી છે, હવે જો સચરાચર મેઘમહેરનો સાર્વત્રિક રાઉન્ડ નહીં વરસે, તો જળસંકટ વધુ વિકટ બનશે તેવી ભીતિ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. જિલ્લામાં મધ્યમ સિંચાઈના પાંચ અને નાની સિંચાઈના 120 મળી 12પ ડેમ તળિયાંઝાટક થઈ ગયા છે. - જળસંગ્રહની સૌથી નબળી સ્થિતિ કચ્છમાં : સિંચાઈ વિભાગમાંથી મળેલા સત્તાવાર આંકડા અનુસાર રાજ્યમાં કચ્છને બાદ કરતાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદે પોતાની કયાંક વધુ તો કયાંક ઓછી હાજરી પુરાવી છે. ઝોનવાઈઝ જળસંગ્રહની વાત કરીએ, તો રાજ્યમાં સૌથી ઓછો માત્ર 24 ટકા જળસંગ્રહ કચ્છના મધ્યમ સિંચાઈ હસ્તકના 20 ડેમમાં થયો છે. નાની સિંચાઈના ડેમોની હાલત આથીય વધુ વિકટ છે. નાની સિંચાઈના 170માંથી 120 ડેમ ખાલી થયા છે. હાલ આ ડેમમાં માત્ર 11 ટકા જીવંત જળનો જથ્થો જ બચ્યો છે. - વરસાદનો વિલંબ વસમો બનશે : જુલાઈનું પ્રથમ પખવાડિયું અને અધિક જેઠ બાદ જેઠ માસ લગભગ વરસાદ વિહોણો પસાર થયો છે. આ માસના અંત ભાગે સારો એક વરસાદી રાઉન્ડ આવે તેવી આશા છે, પણ જો આ માસના અંત સુધી પણ સચરાચર  મેઘમહેર નહીં થાય, તો પરિસ્થિતિ વધુ વણસી શકે તેમ છે. - સિંચાઈ માટે મોટી સમસ્યા સર્જાશે : જો  ધોધમાર વરસાદ નહીં વરસે, તો સૌથી વિકટ પ્રશ્ન સિંચાઈનો થશે. ખરીફ પાકની હજુ વાવણી નથી થઈ, ત્યારે ડેમમાં જળસંગ્રહ પૂરતી માત્રામાં નહીં થાય તો ખરીફની સાથે રવી એટલે કે શિયાળુ પાક માટે સિંચાઈનો પ્રશ્ન વિકટ બનશે તે નિશ્ચિત દેખાઈ રહ્યું છે. - ગત વર્ષની સરખામણીએ 32 ટકા ઓછો જળસંગ્રહ : ગયા વર્ષે જુલાઈ માસ સુધી જિલ્લામાં 60 ટકાથી વધુ વરસાદ વરસી ચૂકયો હતો, જેના કારણે મધ્યમ સિંચાઈના ડેમોમાં પ6 ટકા જેટલો જળસંગ્રહ થયો હતો. હાલમાં 24 ટકા જ પાણીનો જથ્થો સંગ્રહિત છે. એટલે કે  ગયા વર્ષની સરખામણીએ 32 ટકા જેટલો ઓછો પાણીનો જથ્થો સંગ્રહિત છે.  

Panchang

dd