• બુધવાર, 15 જુલાઈ, 2026

મુંદરામાં મલેશિયાનાં 500 કન્ટેનર અટકાવાયાં

મુંદરા, તા. 14 : મુંદરા પોર્ટ કસ્ટમ દ્વારા કરાયેલી એક કાર્યવાહીમાં મલેશિયાથી આવેલાં 500થી વધુ કન્ટેનરને તેમના દ્વારા રજૂ `સર્ટિફિકેટ ઓફ ઓરિજિન'માં ગેરરીતિની શંકાના કારણે લગભગ આઠ દિવસથી અટકાવવામાં આવ્યા હોવાના હેવાલ બહાર આવ્યા છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ જેટલા પણ આયાતકારોના કન્ટેનરો રોકવામાં આવ્યા છે, તેઓ ભારતના સૌથી મોટા ઓટોમોબાઇલ, ઓઈલ રિફાઇનરી સાથે ફાઇવ સ્ટાર હાઉસ આયાત-નિકાસકારો છે. આ અંગે તેમના કસ્ટમ બ્રોકરોને પૂછતાં કસ્ટમ તંત્રના નવા આવેલા અધિકારીઓની કનડગતના કારણે દેશના મોટા નિકાસકારો ભોગ બન્યા હોવાનો દાવો કરતાં ઉમેર્યું કે, મલેશિયા અને ભારત સરકાર વચ્ચે કરમુક્ત વ્યાપારસંધિ અનુસાર મલેશિયાથી આવતા કેટલાક માલ સમાન પર બેઝિક કસ્ટમ ડયૂટી વસૂલાતી નથી, જેમાં નિયમ અનુસાર મલેશિયાથી આવતો માલ એફ.ટી.પી. પોલિસી અંતર્ગત ત્યાંની ગવર્નમેન્ટનું સેટિફિકેટ ઓફ ઓરિજિનની ઓરિજિનલ રજૂ કરવાનું હોય છે અને કસ્ટમ તંત્રે તેમના ક્યુ.આર. કોડને સ્કેન કરી ખરાઈ કરવાની રહે છે. આ અંગે કસ્ટમ વિભાગના અધિકારીઓનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, હા, મલેશિયાથી આવતા કેટલાક સર્ટિફિકેટ ઓફ ઓરિજિનમાં ખરાઈ કરતી વખતે કેટલીક ક્ષતિઓ હોવાનું ધ્યાને આવતાં એફ.ટી.પી. પોલિસી અંતર્ગત ખરાઈ માટે ડી.જી.એફ.ટી.ને ઈ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવી છે અને જવાબ આવ્યાથી તરત જ કન્ટેનરો રિલીઝ કરાશે. જો કે, સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કસ્ટમ તંત્રે છેલ્લા આઠેક દિવસથી મલેશિયાથી આવતાં જે કન્ટેનરો રોક્યા છે, એ મોટા ગજાના આયાત નિકાસકારોના છે અને ખોટું કરવાનો કોઈ પ્રશ્ન જ નથી અથવા જે પણ ક્ષતિ છે તે મલેશિયા સરકારની સર્ટિફિકેટ ઓફ ઓરિજિન ઇસ્યૂ કરતી એજન્સીની ટેકનિકલ ખામીના કારણે છે, પણ નવા આવેલા કસ્ટમ અધિકારીએ અહીંના એક ઉચ્ચ અધિકારીને આ અંગે ગેરમાર્ગે દોરતાં આ સમગ્ર મામલો ગૂંચવાયો હોવાનો સૂર ઊઠયો હતો. સૂત્રો એવો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે, ક્યાંક આર્થિક વ્યવહાર કારણભૂત તો નથી ને ? કારણ કે, મુંદરા કસ્ટમમાં ભ્રષ્ટાચારનો ભરડો વધી ગયો છે. તંત્રની સતર્કતા કે અણઘડ વહીવટના કારણે અત્યારે વિના કારણે આયાતકારોને માલ છોડાવવા સી.એફ.એસ. અને શાપિંગ લાઈનના ડિટેન્શન અને ડેમરેજ ચાર્જિસ ભરવા પડી શકે છે. આ મામલો બહાર આવ્યા બાદ હવે અહીંના કમિશનર પર નજર મંડાઇ છે. 

Panchang

dd