બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 13 : અધિક જેઠ ઉપરાંત બીજો જેઠ પણ પૂરો થવા આવ્યો છે. ચોમાસાંની મોસમ વચ્ચે વીજ-વાદળાના બદલે વા'તા વાયરાને લઇ વરસાદ ખેંચાઇ જતાં માલધારીઓના મુલક બન્નીના પશુપાલકો ભારે ચિંતામાં ઘેરાય છે. પીવા માટે ખારું પાણી અને ઘાસની તીવ્ર તંગી સર્જાતાં લાખેણી ભેંસોની હાલત દયનીય બનતી હોવાની ફરિયાદ વચ્ચે રાજ્ય સરકારે આ પંથકમાં સર્જાઇ રહેલી પરિસ્થિતિને પહોંચી વળવા યોગ્ય પગલાં ભરી વહેલામાં વહેલીતકે ઘાસનું વિતરણ કરે તેવી માંગ ઊઠી છે.
પશુધન
પાયમાલ
ચોમાસાંના
સમયગાળા વચ્ચે અત્યાર સુધી કોરા રહેલા બન્ની પંથકમાં ઘાસચારાની પરિસ્થિતિ વિકટ બની
રહી છે. માલધારીઓ વરસાદની આશા વચ્ચે અત્યાર સુધી ટકી રહ્યા પછી વાયરાને લઇ ધીરજ
ખૂટી છે. પશુઓને બચાવવા ઘાસની ઊભી તંગીને લઇ હિજરત કરવાના આયોજન થઇ રહ્યા છે.
પંથકમાં મંડરાતી પરિસ્થિતિમાં અછતનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
ઘાસિયાં
મેદાનોમાં ધૂળ
સામાન્ય
રીતે વર્તમાન સમયમાં વરસાદ પડયા પછી બન્નીના જાણીતા મેદાનોમાં લીલોતરી છવાતી જોવા
મળતી,
પરંતુ જેઠ માસ પછી પણ વરસાદી એક ટીપું પણ નહીં પડતાં હાલ આ ઘાસિયા
મેદાનોમાં ધૂળ ઊડતી જોવા મળી હતી. ચરિયાણ માટે મોટા ટોળામાં વિચરતી કૂંઢી ભેંસો
વગર આ ઘાસિયા મેદાન હાલે સૂમસામ જોવા મળે છે.
ચહેરા
પર ચિંતા
વરસાદના
અભાવે પશુપાલકો ચિંતાગ્રસ્ત બન્યા છે. ભીરંડિયારા અને હોડકાથી પશ્ચિમ બાજુની
બન્નીના સેરવો, સરાડા, રભુવાંઢ,
ભગાડિયા, છસલા, બુરકલ,
લુણા, ભીટારા, હાજીપીર,
તલ, છારી, ફુલાય સહિતના
ગામોમાં લગભગ 80થી 90 હજાર પશુનો સમાવેશ થાય છે.
પંથકનો ચરિયાણ વિસ્તાર ખાલીખમ નિહાળી આગામી દિવસો ભારે કપરા થવાના એંધાણ ભાળી
પંથકના માલધારીઓ ભારે પરેશાન બન્યા છે.
પશુઓ
ઘરઆંણે
બન્નીમાં
પશુઓના ચરિયાણ માટે ખાસ પદ્ધતિ છે. આમ તો કચ્છમાં પશુઓના ચરિયાણમાં સાથે માલધારી
રહે છે,
પરંતુ બન્નીમાં એવું નથી. મોટાભાગની ભેંસો પોતાની રીતે સીમાડામાં
નીકળી દોહવાનો સમય થતાં આપમેળે ઘેર પાછી ફરે છે, પરંતુ હાલ
સર્જાયેલી પરિસ્થિતિને લઇ સીમાડામાં ઘાસનું તણખલું ન હોઇ ભેંસો સીમાડામાં જતી
અચકાય છે. આખો દિવસ ઘેર બેસતી ભેંસોને સીમમાં મોકલવા માલધારીઓ મથે છે, પરંતુ સીમમાં જવાને બદલે નજીકમાંથી પાછી વળી ઘર આગળ બેસી રહે છે. જેને જોઇ
માલધારીઓ ખૂબ દુ:ખી હોવાનું જણાવ્યું હતું.
ભેંસોનાં
ભૂખમરાથી મોત
ઘાસની
ઊભી થઇ રહેલી તંગીને લઇ અત્યારથી જ કેટલીક ભેંસો મરણને શરણ થઇ છે. સેરવોના માજી
સરપંચ ગુલામ જત સાથે રહી સરાડા ગામની ઉત્તરે આઠથી 10 ભેંસના મૃતદેહો બતાવ્યા
હતા. મૃત્યુ પામેલી ભેંસો પર ગાંડા બાવળના ઝાંખરા ઢાંકી દીધેલા હોવાનું જોવા
મળ્યું હતું. આ અગ્રણીના કહેવા પ્રમાણે આજે પણ આ વિસ્તારના ગામોમાં અનેક ભેંસો
ખોરાક વગર દુબળી બની છે. કેટલીક અશક્ત ભેંસો ઊભી ન થઇ શકતાં માલધારીઓ એકત્ર થઇ આવા
દુબળા પશુઓ ઊભા કરવા મથતા જોવા મળ્યા હતા. તો વળી કેટલાક બીમાર પશુઓને વાહનોમાં
ચડાવી સારવાર માટે લઇ જતા નજરે ચડયા હતા.
પીવા
માટે ખારું પાણી
પંથકમાં
લોકો અને પશુઓના પેયજળ માટે બન્ની પાણી પુરવઠા યોજના તળે વ્યવસ્થા ગોઠવાયેલી છે.
વિસ્તારના અગ્રણીઓ અમીનભાઇ જત, નૂરમામદ ઇશા જત, આમદ સધુ જતના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી આ ગામોમાં પાણી પહોંચે છે,
પરંતુ આ પાણી નર્મદાના બદલે ખારું પાણી હોઇ માણસોને તો ઠીક પશુઓના
સ્વાસ્થ્ય માટે હાનિકારક બન્યું છે. એક તો ખારું ઘાસ અને ખારું પાણી પીધા પછી અનેક
પશુઓમાં લોહી અને દૂધ ઘટયું છે. વધુ ને વધુ પાણી પીધા પછી આફરો ચડતાં પશુઓ
બીમારીમાં સપડાતા હોવાનું જણાવે છે.
સરાડા
મોટામાં પાણી નથી
સરાડા
નાના-મોટામાં લગભગ 15,000 પશુ છે. અહીં પાણીની વ્યવસ્થા માટે સમ્પ છે.
ભારે પવનને લઇ વીજ વિક્ષેપના કારણે છેલ્લા કેટલાક દિવસોથી પાણીની ભારે હાડમારી
સર્જાઇ છે. પાણી મેળવવા ટાંકા પર મહિલાઓ, પુરુષો તેમજ
મોટી સંખ્યામાં પશુઓ સાથે ઊમટી પાણીની મથામણ કરતા નજરે ચડયા હતા. ગામના અગ્રણીઓ
જામા કરમણ જતના કહેવા પ્રમાણે હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ અહીં ખાસ ઇમર્જન્સી વીજ
વ્યવસ્થા (જનરેટર) આપવામાં આવે તે જરૂરી છે.
ઘાસ
બળી ગયું !
થોડા
જ દિવસો અગાઉ વિસ્તારના છસલાથી ઉત્તરે અને ભગાડિયાથી આથમણી કારેવાળી વાડની સીમમાં
કોઇ કારણોસર લાગેલી આગમાં 15થી 20 કિ.મી.ના વિસ્તારમાં પૌષ્ટિક
ઘાસ બળીને રાખ બન્યું હતું. ભચાયા કાધુ જત અને સમસુદ્દીન જતના જણાવ્યા મુજબ ચરિયાણ
માટે આ સીમાડો ખૂબ મહત્ત્વનો હોઇ અહીં ડુનઇ, ખવૈઇ, જીજવો, મોથ જેવા પૌષ્ટિક ઘાસ બળી જતાં ભારે પરેશાની
ઊભી થઇ છે.
ઘાસ
ફાળવવા માંગ
સારા
વરસાદ બાદ મોટાપાયે ઘાસ ઊગે છે. વન વિભાગ આ ઘાસની કાપણી કરી મોટો જથ્થો એકત્ર કરે
છે,
જેને સંગ્રહી રાખવા માટે પંથકના હાજીપીર, લુણા,
મીઠડી, ગોરેવાલી, ધોરડો,
સીડિયાડો, હોડકો, ભીરંડિયારા,
મિસરિયાડો વગેરે સ્થળોએ મોટા ગોડાઉન ઊભા કર્યા છે. આ ગોડાઉનમાં આજે
પણ ઘાસનો મોટો જથ્થો ઉપલબ્ધ છે. હાલ પંથકમાં સર્જાયેલી ઘાસચારાની તંગી વચ્ચે
વહેલામાં વહેલીતકે ઘાસનું વિતરણ થાય તેવી માંગ ઊઠી છે.
એગ્રોસેલે
ઘાસ આપ્યું
અવાર-નવાર
ઊભી થતી અછતની પરિસ્થિતિ વચ્ચે વિસ્તારમાં કાર્યરત એગ્રોસેલ કંપની સરાહનીય કામગીરી
કરે છે. હાલ ઘાસની તીવ્ર અછત વચ્ચે એગ્રોસેલ ફાઉન્ડેશન દ્વારા વિસ્તારની સાત જેટલી
ગ્રામ પંચાયતોનો સહયોગ મેળવી 500 ટન ઘાસ રાહતદરે વિતરણ કર્યું હોવાનું વિશાલભાઇએ
જણાવ્યું હતું. પંથકના અગ્રણીઓના કહેવા પ્રમાણે આ વિસ્તારના અન્ય પણ કંપનીઓ દર
વર્ષે અબજોની કમાણી કરે છે, ત્યારે આવી કટોકટી સમયે આ
કંપનીઓ પણ સ્થાનિકે લોકોને સહાયરૂપ થવા પોતાનું સામાજિક દાયિત્વ નિભાવે તે જરૂરી
છે.