ભુજ, તા. 28 : ભૂકંપ પછી અદ્યતન આરોગ્ય સુવિધાઓની
કટિબદ્ધતા સાથે સેવા આપી રહેલી અહીંની એલએનએમ લાયન્સ હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિઓ
અને આરોગ્ય વિભાગોની માહિતી અને નિદર્શન મુલાકાતી વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. લાયન્સ હોસ્પિટલના ચેરમેન લાયન્સના પૂર્વ ગવર્નર
ડો. ભરતભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલની મુલાકાતે આવેલા યુનિક કાચિંગ ક્લાસના
વિદ્યાર્થીઓને હોસ્પિટલના પ્રત્યેક વિભાગોની માહિતી અને સમજ અપાઈ હતી. તથા દર્દીઓને
મળી રહેલી અદ્યતન સુવિધાઓથી માહિતગાર કરાયા હતા. લાયન્સના પૂર્વ ગવર્નર અભયભાઈ શાહે
હોસ્પિટલમાં કરાતાં આંખના નિ:શુલ્ક ઓપરેશન સાથે દર્દીઓને ઉત્તમ નેત્રમણિ અને એક મહિનાની
દવા સહિતની સુવિધાઓ અને અન્ય વિભાગોમાં રાહતદરે સેવા સાથે નિયમિત ઓપીડી વિભાગની માહિતી
આપી હતી. પી. આર. ઓ. સુનીલભાઈ માંકડે હોસ્પિટલના આંખ, દાંત, ઓડિયોમેટરી,
જનરલ ઓપીડી વિભાગો વિશે માહિતી આપી હતી. આંખના ઓપરેશનનો આંક 45 હજારે તેમજ 41 ડાયાલિસીસ મશીનો ઉપર નિયમિત
નિ:શુલ્ક થતાં ડાયાલિસીસનો આંક સવા બે લાખ સુધી પહોંચ્યો હોવાનું જણાવ્યું હતું. વિદ્યાર્થીઓએ
તમામ વિભાગોની રૂબરૂ મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં હોસ્પિટલના ઓડિયોમેટરી વિભાગના
રોહિતભાઈ જોશી, લિયો ક્લબ-રેઈનબોના પ્રમુખ
દીપ ઠક્કર, પાર્થ અભય શાહ, મંત્રી ઉર્વશી
સોની સાથે કાચિંગ ક્લાસના પરાશર ઠાકર, સ્તુતિબેન ઠાકર તથા હોસ્પિટલનાં
વ્યોમાબેન મહેતા, યશ્વીબેન નાથ સાથે રહ્યાં હતાં. હોસ્પિટલની
આરોગ્યસુવિધાઓ અને સેવાકીય પ્રવૃત્તિઓને નિહાળવા દરેક શાળાઓ અને કાચિંગ વર્ગોના વિદ્યાર્થીઓને
અનુરોધ કરાયો હતો.