• સોમવાર, 29 જૂન, 2026

જીવદયા અને પર્યાવરણનું જ્ઞાન વિદ્યાર્થીકાળથી અપાય

મુંદરા, તા. 28 : ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા આહિંસાધામ ખાતે જીવદયા સંમેલનની રવિવારે પૂર્ણાહુતિ દિવસે વિવિધ ક્ષેત્રે સેવા કરનારા ચાર વ્યક્તિવિશેષોને આહિંસા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આરંભે નમો અરિહંતાણમ્ મ.સા.એ આશીર્વચન પાઠવ્યા હતા. રવિવારે ખાસ ઉપસ્થિત જાણીતા ફિલ્મ કલાકાર સુજાતા મહેતાએ અહિંસાધામની સેવા બિરદાવી હતી. ડો. લતિશ શાહ, નિર્મલ સેવા ટ્રસ્ટ ધરોડના દિનેશ ઠાકર સહિતના વિવિધ વક્તાઓએ વક્તવ્ય આપ્યું હતું. આહિંસા એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં પ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર નેહલબેન ગઢવીને તેમની સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની વિકલાંગ બાળકોની સેવા માટે તથા બહેન, દીકરીઓની ભારતીય સંસ્કૃતિ તરફ વાળવાનાં કાર્ય બદલ પસંદગી કરવામાં આવી હતી. રામ રોટી છાશ કેન્દ્રના લીલાધર ઠક્કરનું ભૂખ્યાને ભોજન કરાવવાની તેમની ભાવનાને ધ્યાને રાખીને એવોર્ડ માટે પસંદગી કરાઈ હતી. સાઈકલ પર ભારતીય યાત્રા કરતા અને રસ્તામાં પશુઓની સેવા અને શાકાહારી આહારના પ્રચાર માટે ત્રીજો એવોર્ડ જિતેન્દ્ર ઝાને અપાયો હતો, જ્યારે ચોથો એવોર્ડ ગરીબ લોકોને દૃષ્ટિ આપવાનું, શત્રક્રિયા કરાવવાનું સામાજિક કાર્ય કરતા કેવીઓ ફાઉન્ડેશનના ભરત ગડા અને તેમના સહયોગીઓને એનાયત થયો હતો. એવોર્ડ સન્માન બાદ પ્રસિદ્ધ વક્તા નેહલબેન ગઢવીએ સંસ્થાની જીવદયા પ્રવૃત્તિની સરાહના કરતાં જણાવ્યું કે, કચ્છની સ્કૂલનાં બાળકોને મહિનામાં એક દિવસ અહીં લઈ આવો તો નાનપણથી સંસ્કાર સિંચન થશે. તેમણે રૂા. 1,11,000નું દાન જાહેર કર્યું હતું. આ પ્રસંગે પદ્મશ્રી સુભાષ પાલેકર, ન્યાયમૂર્તિ અંબાલાલ હરિભાઈ જોશી, હેમેન્દ્ર મહેતા, જેન્તીલાલ ઠક્કર અતિથિ વિશેષપદે મંચસ્થ રહ્યા હતા. મેનાજિંગ ટ્રસ્ટી મહેન્દ્ર સંગોઈ, પ્રમુખ હરેશ વોરાએ પ્રારંભમાં સ્વાગત સાથે આહિંસાધામની રૂપરેખા આપી હતી.  કાર્યક્રમમાં ડાયાલાલ પટેલ, જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ શક્તાસિંહ જાડેજા, નવીન મહેતા, ભોગીભાઈ મહેતા સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના સી.ઈ.ઓ. ડો. ગિરીશ નાગડા, સિનિ. મેનેજર રાહુલ સાવલા, પ્રકાશ રાજગોર વિ.એ વ્યવસ્થા સંભાળી હતી. આ પહેલાં શનિવારે રાત્રે પ્રયાગરાજથી ઉપસ્થિત પ્રેમપ્રકાશ દુબેના વડપણ હેઠળ સુંદરકાંડના પાઠ યોજાયા હતા. કાર્યક્રમનું સંચાલન ઇન્ટરનેશનલ ભાષા નિષ્ણાત કેતન નાણાવટીએ કર્યું હતું. - પર્યાવરણને નુકસાન કરતા ઉદ્યોગો પર પ્રતિબંધ મુકાય : કાર્યક્રમ બાદ પત્રકારોને એક અલગ સંબોધનમાં મેનાજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ સંગોઈએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે, એક બાજુ આહિંસાધામ અને બીજી  સંસ્થાઓ દ્વારા પર્યાવરણ બચાવનું, જળસંચયનું કાર્ય થાય છે. બીજીબાજુ એવા ઉદ્યોગો આવે છે, જે નુકસાન કરી શકે છે, ત્યારે સરકારને અપીલ છે કે, એવા ઉદ્યોગો ન આવે કે જેના પર બીજા દેશોમાં પ્રતિબંધ છે અને આપણા પર્યાવરણને નુકસાન થાય, જેથી કચ્છમાં આવા બાગાયતી વિસ્તારોમાં આવા ઉદ્યોગોના પ્રવેશ પર પ્રતિબંધ લાગવો જોઈએ. 

Panchang

dd