હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 28 : જૂન માસ વીતવાના આરે આવ્યો
હોવા છતાં કચ્છ મોટાભાગે કોરુંધાકોડ રહ્યું છે. કેટલાક તાલુકામાં ઝરમરથી લઈ હળવાં ઝાપટાં
વરસ્યાં છે, પણ હજુ ચોમાસાંએ સત્તાવાર
પ્રવેશ કર્યો ન હોવાનાં કારણે વાવણીલાયક વરસાદની રાહ યથાવત્ રહી છે. કચ્છમાં સામાન્ય
રીતે જૂન માસમાં અત્યાર સુધી 39 મિ.મી. વરસાદ પડવો જોઈએ, તેના બદલે જિલ્લામાં માત્ર 0.9 મિ.મી. વરસાદ પડતાં
98 ટકાની મોટી ઘટ જોવા મળી રહી
છે. કચ્છમાં સામાન્ય રીતે 2પથી 29 જૂન વચ્ચે ચોમાસું બેસી જતું
હોય છે. આ વખતે ઘણા વર્ષે બાદ જુલાઈમાં નૈઋઍત્યનું ચોમાસું પ્રવેશ કરે તેવું હવામાન
વિભાગે જણાવ્યું છે. કચ્છમાં આમ તો આષાઢીબીજથી ચોમાસાંની અસલ જમાવટ થતી હોય છે. જુલાઈ
અને ઓગસ્ટમાં મહત્તમ વરસાદ પડતો હોય છે. જો કે, જૂનમાં વરસાદનાં ધીમાં ડગલે મંડાણ થઈ જતાં હોય છે. આ વખતે ચોમાસાંએ પ્રવેશ
ન કર્યો હોવાનાં કારણે જૂન માસ પૂરો થવા આવ્યો હોવા છતાં નવ તાલુકા સાવ કોરા પડયા છે.
એક માત્ર રાપરમાં અડધો ઈંચ વરસાદ અત્યાર સુધી પડયો છે. આમ તો કચ્છમાં જૂન માસમાં ઓછો
વરસાદ વરસવો એ ચિંતાની બાબત નથી. જો હજુ આ માસના બાકી રહેતા દિવસોમાં વરસાદ પોતાની
હાજરી નહીં પૂરાવે તો છેલ્લા એક દાયકામાં જૂન માસમાં કચ્છમાં ચોમાસાંનું નબળું ચિત્ર
જોવા મળશે. - અલ નીનોના પ્રભાવથી ચોમાસાંનું ચક્ર ખોરવાયું : ભારતનાં ચોમાસાં પર આ વખતે અલ નીનોનો પ્રભાવ
જોવા મળી રહ્યો છે. કેરળમાં આગમન થયા બાદ ચોમાસું મુંબઈમાં આગમન પૂર્વે ઘણા દિવસો સુધી
રોકાઈ ગયું હતું. મુબઈમાં 12 દિવસ મોડું
પહોંચ્યા બાદ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાંએ પ્રવેશ કર્યા બાદ બ્રેકની સ્થિતિ સર્જાતાં
ચોમાસાંનું ચક્ર ખોરવાયેલું જ રહ્યું છે. - 2023માં બિપોરજોયનાં કારણે વિક્રમી વરસાદ પડયો : 2023માં જૂન માસમાં
બિપોરજોય વાવાઝોડાંની અસર તળે ભારે વરસાદ પડયો હતો. જૂનમાં જ 87 ટકા જેટલો વિક્રમી વરસાદ વરસ્યો
હતો, તો 2018નાં વર્ષમાં કચ્છમાં દુષ્કાળનો ડોળો મંડરાયો હતો, ત્યારે માત્ર એક ટકો વરસાદ જ વરસ્યો હતો.