• સોમવાર, 08 જૂન, 2026

માંડવી સુધરાઈ દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરાઈ

માંડવી, તા. 7 (પ્રતિનિધિ દ્વારા) : આ બંદરીય નગર સેવા સદન દ્વારા `િપ્ર-મોન્સૂન' કામગીરી અંતર્ગત રમણીય ટોપણસર તળાવની બંધ કરાયેલી  રાયણ પાટિયાથી આવતા  વરસાદી  નીરની આવને ખુલ્લી કરવાની સાથે આવ-ઓગનનાં નાળાંઓની સફાઇ ઉપરાંત વરસાદી વહેણને અવરોધક માર્ગોને રુંધતી અડચણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવાનો આરંભ કરાયો છે. આ વખતે વીતેલાં વર્ષે થયેલી ટેન્ડારિંગ પ્રક્રિયાને બદલે તંત્રે પોતાની માનવીય અને યાંત્રિક શક્તિ કામે લગાડી હોવાની જાણકારી મળી હતી. આગામી પ્રિ-મોન્સૂન સત્રને ધ્યાનમાં રાખીને શહેરના માધવ નગર, નિત્યાનંદ નગર, જય નગર, વિજય નગર, મેઘ મંગલ નગર, પોલીસ ક્વાર્ટર્સ, સત્સંગ આશ્રમ સહિતના નીચાણવાળા જળભરાઉ વિસ્તારોમાં વરસાદી જળભરાવની સમસ્યા ન સર્જાય અને શહેરનું ટોપણસર તળાવ નવા નીરથી ભરાય તે માટે નગરપાલિકા દ્વારા વરસાદી કેનાલની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. દર વર્ષે નગરપાલિકા દ્વારા વરસાદી કેનાલની સફાઈ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાય છે.  ગત વર્ષે રૂા. 11 લાખનો ઠેકો અપાયો હતો એવી વિગતો મળી હતી. હવે એ કામ સ્થાનિક તંત્ર સ્વયં સંપન્ન કરશે એવો દાવો છે. પરિણામ સ્વરૂપે લાખો રૂપિયાનો ખર્ચ થતો બચશે. તાજેતરમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની સૂચનાત્મક સલાહથી `િપ્ર-મોન્સૂન' કામગીરી સંબંધી ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વિના નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા વરસાદી કેનાલની સફાઈ કામગીરી હાથ ધરવાનું નક્કી કરાયું, જેથી નગરપાલિકાના રૂપિયા બિનઆવશ્યક વેડફાય નહીં અને આર્થિક ફાયદો-બચત થાય તેવી સલાહને અનુસરવામાં આવી હોવાનું માહિતગાર સાધનોએ કહ્યું હતું. રાયણ પાટિયાથી ભૂતનાથ વાડી વિસ્તાર, લક્ષ્મી નારાયણ નગરથી જળાશયને જોડતી કેનાલમાંથી ઝાડી-ઝાંખરા દૂર કરી સફાઈ કરવામાં આવી રહી છે. જૂનના ત્રીજા સપ્તાહ લગી કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય જણાવાયું હતું.  મુખ્યાધિકારી જિજ્ઞેશભાઈ બારોટની દોરવણી હેઠળ ઓફિસ અધીક્ષક મનજીભાઈ પરમારની નિગેહબાનીમાં સેનિટેશન ઈન્સ્પેક્ટર મુકેશ પુરબિયાની ટીમમાં કનૈયા ગઢવી, કરણ જેપાર, પાર્થ શાહ, અવિનાશ પટેલ સાથે 13 જણ કાર્યવાહી વહન કરી રહ્યા છે.   નગર સેવા સદનના અધ્યક્ષા વર્ષાબેન જોશી, ઉ.પ્ર. મુકેશભાઈ રાબડિયા, કારોબારી સમિતિના ચેરમેન વિજયભાઈ ગઢવી, સત્તાપક્ષના નેતા વિજયભાઈ ચૌહાણ, જિગર ધાયાણી વગેરેએ સ્થાનિક સ્થળ કામગીરીનું નિરીક્ષણ કરી સૂચનાઓ આપી હતી. 

Panchang

dd