અમદાવાદ, તા. 7 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત
સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના વહીવટને વધુ મજબૂત અને
વ્યવસ્થિત બનાવવા માટે એક નવો પરિપત્ર જાહેર કરાયો છે. અગાઉ ગત 17 જાન્યુઆરીના રોજ મુખ્યશિક્ષકનો
ચાર્જ સોંપવા અંગે બહાર પડાયેલા પરિપત્રમાં કેટલીક વહીવટી ખામીઓ અને વિસંગતતાઓ જોવા
મળી હતી. આ ભૂલોને તાત્કાલિક ધોરણે સુધારવા માટે જૂના પરિપત્રને રદ કરીને તદ્દન નવા
નીતિ-નિયમો લાગુ કરાયા છે. ખાસ કરીને જે શાળાઓમાં HTAT (હેડ ટીચર એપ્ટિટ્યુડ
ટેસ્ટ) પાસ મુખ્યશિક્ષકની મંજૂર જગ્યાઓ નથી, ત્યાં વહીવટી કામગીરી કઈ રીતે કરવી તેની સ્પષ્ટ ગાઇડલાઇન આ નવા પરિપત્રમાં
અપાઇ છે. નવા પરિપત્રની જોગવાઈઓ પ્રમાણે,
શાળાના સૌથી વરિષ્ઠ અને અનુભવી શિક્ષકને જ મુખ્યશિક્ષક તરીકેનો વહીવટી કાર્યભાર સોંપાશે. જો કોઈ વિસ્તારની શાળામાં મુખ્યશિક્ષકનું
પદ લાંબા સમયથી ખાલી હોય, તો નજીકની શાળામાંથી ચાર્જ આપવા માટે
હવે 15 કિલોમીટરની ત્રિજ્યાનો નવો
નિયમ નક્કી કરાયો છે. આ પ્રક્રિયામાં વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી મોટી શાળાઓના વહીવટને
પ્રાધાન્ય અપાશે. આ ઉપરાંત, જે શિક્ષકોને
એકસાથે બે શાળાઓની જવાબદારી સંભાળવાની થશે, તેમના શૈક્ષણિક કાર્યમાં
કોઈ અડચણ ઊભી ન થાય તે માટે શિક્ષણ વિભાગે એક ખાસ સમયપત્રક પણ તૈયાર કર્યું છે. શિક્ષણ
વિભાગે આ નવા પરિપત્રમાં માનવીય અભિગમ દાખવતા દિવ્યાંગ શિક્ષકોને વહીવટી દોડધામમાંથી
મુક્તિ આપી છે અને નિયમોમાં રાહત આપી છે. જો કે, અન્ય સામાન્ય
શિક્ષકો માટેના નિયમો વધુ કડક કરાયા છે. જો કોઈ નિયુક્ત કરાયેલા શિક્ષક મુખ્યશિક્ષકનો
ચાર્જ લેવાનો ઇન્કાર કરશે, તો તેમની સામે વહીવટી સ્તરે કડક શિક્ષાત્મક
પગલાં લેવાશે. આ વધારાની જવાબદારી સંભાળવા બદલ શિક્ષકોને નક્કી કરાયેલા નાણાકીય લાભો
અને ખાસ ભથ્થાં અપાશે. જોકે, સરકારે એ સ્પષ્ટ કર્યું છે કે આ
માત્ર એક વહીવટી ગોઠવણ હોવાથી, ઇન્ચાર્જ તરીકેની આ સેવાને ભવિષ્યમાં
કાયમી બઢતી કે બદલીના સમયે સિનિયોરિટી તરીકે ગણતરીમાં લેવાશે નહીં. આ હંગામી વ્યવસ્થા
દર વર્ષે ઉનાળુ વેકેશન શરૂ થતાંની સાથે જ આપોઆપ પૂર્ણ થયેલી ગણાશે. આ નવા પરિપત્રની
સૌથી મુખ્ય બાબત મુખ્ય શિક્ષકોના કામકાજના દિવસોની વહેંચણી અંગેની છે. નવી સૂચના મુજબ,
જે મુખ્ય શિક્ષકને અન્ય કોઈ શાળાનો વધારાનો કાર્યભાર સોંપાયો હોય,
તેમણે પોતાની મૂળ શાળામાં 3 દિવસ અને ચાર્જવાળી અન્ય શાળામાં 3 દિવસ એમ બંને જગ્યાએ ફરજ બજાવવાની રહેશે.
અઠવાડિયાના કુલ 6 દિવસોની આ
સરખી વહેંચણીને કારણે બંને શાળાઓના શૈક્ષણિક અને વહીવટી કાર્યોમાં સંતુલન જળવાઈ રહેશે, જેથી કોઈ પણ શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસ પર
માઠી અસર નહીં પડે.