• સોમવાર, 08 જૂન, 2026

મોંઘવારી રસ્તાથી રસોડાં સુધી; રાંધણગેસ 29 રૂા. મોંઘો

નવી દિલ્હી, તા. 7 : ઇંધણ ભાવના ભડકાની આગ રસ્તાઓથી રસોડાં સુધી પહોંચી છે. મોંઘવારીનો માર ખમીને માંડ જીવતા સામાન્ય માણસને વધુ એક ઝટકારૂપે ઘરેલુ રાંધણગેસ (એલપીજી) સિલિન્ડર 29 રૂપિયા મોંઘું થઇ ગયું છે. આ વધેલા ભાવ આજ રવિવારની રાતથી જ લાગુ થઇ જશે. ત્રણ મહિનામાં બીજીવાર એલપીજીની કિંમત વધારાઇ છે. અગાઉ સાતમી માર્ચનાં 60 રૂપિયાનો વધારો થતાં ત્રણ મહિનામાં ઘરેલુ રાંધણગેસ 90 રૂપિયા જેટલો મોંઘો થઇ ગયો છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધની અસર હેઠળ ઇંધણ સંકટ સર્જાયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વધી રહેલા ખર્ચ અને ઘરઆંગણે વેચાણમાં તેલ કંપનીઓને થતાં નુકસાનનાં કારણે આ ભાવ વધારો કરવો પડયો છે, તેવું સરકારે કહ્યું હતું. સરકારે એવો દાવો પણ કર્યો હતો કે, ક્રૂડતેલની કિંમતોમાં ચડાવ-ઉતાર વચ્ચે ભારતીય પરિવારોને મળતો ઘરેલુ રાંધણગેસ દુનિયાભરમાં સૌથી સસ્તો છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવી વિકસિત અર્થવ્યવસ્થાઓમાં પણ રાંધણગેસના ભાવ ભારત કરતાં ઘણા વધુ છે, તેવું સરકારે કહ્યું હતું. દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ એલપીજી (LPG)સિલિન્ડરની કિંમતમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. ગેસ સિલિન્ડરનો ભાવ 913 રૂપિયાથી વધીને હવે 942 રૂપિયા થઈ ગયો છે, એટલે કે સીધો 29 રૂપિયાનો વધારો નોંધાયો છે. આ અગાઉ 7 માર્ચના રોજ પણ પ્રતિ સિલિન્ડર 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે પશ્ચિમ એશિયા (વેસ્ટ એશિયા)માં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય ખોરવાઈ ગયો હતો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવ આકાશે આંબ્યા હતા. ઉદ્યોગ જગતના સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ કરાયેલા ભાવવધારાથી ઓઇલ કંપનીઓના નુકસાનની માત્ર આંશિક ભરપાઈ જ થઈ શકી હતી. આ તાજેતરના ફેરફાર પહેલાં સરકારી ઓઇલ માર્કાટિંગ કંપનીઓને વેચાતા દરેક LPG સિલિન્ડર પર અંદાજે 703 રૂપિયાનું મોટું નુકસાન થઈ રહ્યું હતું. નોંધનીય છે કે આ જ મહિનાની 1લી જૂને 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ મોટો વધારો કરાયો હતો. દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 42 રૂપિયા મોંઘો થઈને 3113.50 રૂપિયા અને કોલકાતામાં 53.20 રૂપિયાના વધારા સાથે 3255.50 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે. આ ઉપરાંત, નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકો દ્વારા વપરાતા 5 કિલોગ્રામના એફટીએલ (FTL) સિલિન્ડરના ભાવમાં પણ 11 રૂપિયાનો ઇજાફો કરાયો છે.  ઇંધણના ભાવોમાં આ વધારો માત્ર ગેસ સિલિન્ડર પૂરતો સીમિત નથી. મે મહિનાથી અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કુલ મળીને 7.50 રૂપિયા પ્રતિ લિટરનો તાતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. જ્યારે કપ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના દરોમાં પણ આશરે 6 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થઈ ચૂક્યો છે. આટલા ભાવવધારા છતાં, ઇન્ડસ્ટ્રીના સૂત્રોનું કહેવું છે કે, સરકારી ઓઇલ કંપનીઓ હજુ પણ પેટ્રોલ અને ડીઝલને તેની મૂળ પડતર કિંમત કરતાં સસ્તા ભાવે વેચી રહી છે. હાલની સ્થિતિએ કંપનીઓને પેટ્રોલ પર અંદાજે 11 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 33.6 રૂપિયા પ્રતિ લિટરનું નુકસાન વેઠવું પડી રહ્યું છે.  

Panchang

dd