કોટડા (ચકાર), તા. 28 : ભુજોડી પાટિયાથી
માધાપર પોલીસ ચોકી સુધીના મુખ્ય હાઈવે પર બાવળ, રેતીના ઢગલા અને ખાડાઓને કારણે સર્જાતી મુશ્કેલીના ઉકેલરૂપે માર્ગ સમારકામ
અને સફાઈની કામગીરી શરૂ થતાં સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી હતી. કચ્છમિત્રમાં
સમાચાર પ્રકાશિત થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને રોડ પર પડેલા ખાડાઓ પુરવાની
કામગીરી હાથ ધરાઈ હતી તેમજ માર્ગની બાજુમાં જમા થયેલી રેતી દૂર કરવા અને સુરક્ષા વ્યવસ્થા
સુધારવા માટે મશીનરી ઉતારવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજ જિલ્લા મુખ્ય મથકને જોડતા આ 24 કલાક ધમધમતા હાઈવે પર એક બાજુનો રોડ તૈયાર થયા બાદ બીજી બાજુ
ખાડાઓ જે તે હાલતમાં મૂકી દીધા હતા. ખાડાઓથી બચવા જતાં વાહનો વચ્ચે અકસ્માતની ભીતિ
વધી રહી હતી. ઉપરાંત હાઈવેની બાજુએ ઉગી નીકળેલા બાવળ અને રેતીના ગંજને કારણે નાના વાહનચાલકોને
ભારે મુશ્કેલી પડી રહી હતી. હાઈવેનું સમારકામ થતાં માર્ગ વધુ સુરક્ષિત બનશે, જેથી અકસ્માતની શક્યતાઓ ઘટશે અને વાહનચાલકોને
રાહત મળશે તેવી આશા લોકો દ્વારા વ્યક્ત કરાઈ હતી.