ભુજ, તા. 28 : મુંદરાના કાંઠેથી 1,150 કરોડનો કોકેઈનનો જથ્થો ઝડપયાના
સનસનીખેજ બનાવમાં આ કામના બે આરોપીને આજે મુંદરાની કોર્ટમાં રજૂ કરાતાં 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, જેમાં
તેની સઘન પૂછતાછમાં અન્ય ચોંકાવનારી વિગતો સામે આવવાની સંભાવના જોવાઈ રહી છે. ગુજરાત
એટીએસ, કોસ્ટગાર્ડ અને સ્થાનિક એસઓજીએ સર્ચ ઓપરેશન આદરીને જહાજમાંથી
કેકેઈન 115 પેકેટ જેનું વજન 118.977 કિ.ગ્રા. કબજે કર્યું હતું.
આ કરોડોનો કોકેઈનનો જથ્થો દિલ્હી ખાતે રહેતા કેલ્વિન ચુકવુઆમા તથા બ્યારુહન્ગા જેમ્સને
ડિલિવરી કરવાના હતા. મૂળ યુગાન્ડાના બ્યારુહન્ગા અને નાઈઝીરિયાના કેલ્વિનની અટક બાદ
આજે ગુજરાત એટીએસે બન્નેને 14 દિવસના રિમાન્ડની
માંગ સાથે મુંદરાની કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નોંધનીય છે કે, ગઈકાલે જહાજમાંથી પકડાયેલા એક આરોપી જુમા નાસીર
ઉમરના સોમવાર સુધી રિમાન્ડ મંજૂર થયેલા છે. આરોપીઓની સઘન પૂછતાછમાં વિવિધ કડીઓ મળતાં
અન્ય ચોંકાવનારા ખુલાસાઓની સંભાવના વ્યક્ત થઈ રહી છે.