ન્યૂ ચંદિગઢ, તા. 28 : આઇપીએલની
ફાઇનલમાં પહોંચવા માટે શુક્રવારે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ કવોલીફાર-2માં આર યા પારનો જંગ ખેલાશે. આ મેચની વિજેતા ટીમ રવિવારે અમદાવાદમાં
ખિતાબી મુકાબલામાં આરસીબી વિરુદ્ધ ટકરાશે જ્યારે પરાજિત ટીમની આઇપીએલ સફર સમાપ્ત થશે.
રાજસ્થાન રોયલ્સ એલિમિનેટર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 47 રને વૈભવી વિજય હાંસલ બાદ આત્મવિશ્વાસથી
ઓતપ્રોત છે. તો બીજી તરફ ગુજરાત ટાઈટન્સ આરસીબી વિરુદ્ધ 92 રનની કારમી હાર પછી દેખાવ સુધારવા
મથશે. કવોલીફાયર-2 મેચમાં ટાઈટન્સ
સામે સૌથી મોટો પડકાર 1પ વર્ષીય
વન્ડર બોય વૈભવ સૂર્યવંશીની રન રફતાર અંકુશ મુકવાનો અને જોફ્રા આર્ચરની ઘાતક બોલિંગનો
તોડ કાઢવાનો બની રહેશે. વૈભવ આઇપીએલમાં વિશ્વના ભલભલા બોલર પર તૂટી પડે છે. જેનો શિકાર
પાછલા મેચમાં કમિન્સ પણ બની ચૂકયો છે. વૈભવે 29 દડામાં 12 છગ્ગાથી 97 રનની આતશી ઈનિંગ્સ રમી રનનો
ધોધ વહાવ્યો હતો. ટાઈટન્સના બોલર્સ રબાડા, સિરાઝ, હોલ્ડર અને રાશિદ ખાને વૈભવને બેટને શાંત કરવા
માટે અલગ રણનીતિ બનાવવી પડશે. બેટધરોને મદદગાર ન્યૂ ચંદિગઢની પિચ પર ફરી એકવાર વૈભવ
સહિતના આરઆરના બેટધરોનું રન તાંડવ જોવા મળી શકે છે. બીજી તરફ ગુજરાત ટાઈટન્સ માટે કવોલીફાયર-1 મેચની આરસીબી સામેની હારને ભુલીને નવા જોમ
અને જુસ્સા સાથે રાજસ્થાનનો સામનો કરવા મેદાને પડવું પડશે. આ માટે કપ્તાન શુભમન ગિલ
અને સાઇ સુદર્શનની જોડીએ ફરી એકવાર સંગીન શરૂઆત આપવી પડશે. ટાઈટન્સની સમસ્યા મીડલ ઓર્ડર
છે. આ ઉપરાંત નબળી ફિલ્ડીંગ પણ ટાઈટન્સનો માઇનસ પોંઇન્ટ છે. ડેથ ઓવર્સમાં તેની બોલિંગ
પણ વિખેરાઇ છે. જે આરસીબી સામે જોવા મળ્યું હતું. પાટીદાર પાવરથી આરસીબીએ ટાઈટન્સના
બોલર્સની ડેથ ઓવર્સમાં ધોલાઇ કરી આખરી 6 ઓવરમાં 113 રન ઉમેર્યાં
હતા. આથી ગિલની ટીમના હાથમાંથી મેચ નીકળી ગયો હતો. ટાઈટન્સ તેની રણનીતિમાં બદલાવ કરશે
તેવા સંકેત છે અને લક્ષ્યનો પીછો કરવાના બદલે ટોસ જીતવાની સ્થિતિમાં બેટિંગ પસંદ કરી
શકે છે. રાજસ્થાન રોયલ્સ પણ આ જ રણનીતિનો અમલ કરી શકે છે.