• શુક્રવાર, 29 મે, 2026

મુંદરા ખાતે ટાયરના ગોદામમાં વિકરાળ આગ

ભુજ, તા. 28 : આજે બપોરે મુંદરા શહેર ધ્રબ સીમના હિન્દ સર્કલ નજીક આવેલા ટાયરના ગોદામમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભયાનક હતી કે, તેના ગોટેગોટા અને કાળા ધુમાડા દૂર દૂર 10થી 15 કિ.મી. સુધી દેખાતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પવનના લીધે આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ લેતાં દોડધામ મચી હતી. મુંદરાના ઇતિહાસની સંભવત: આ સૌથી ભીષણ આગ માનવામાં આવી રહી છે. આગ લાગ્યાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં બનાવ સ્થળે દોડી આવ્યા હતા. ટાયરના ગોદામમાં આગ લાગવાને કારણે ભારે ધુમાડો અને તીવ્ર ગરમી ફેલાતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી અને આ બનાવ ટોક ઓફ ટાઉન બન્યો હતો. અદાણી સહિત વિવિધ કંપનીઓના 14 જેટલા ફાયરફાઇટરે ઘટનાસ્થળે ધસી જઇ આગ બુઝાવાની કાર્યવાહી આદરી છે. કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરાયા હતા, પરંતુ આ આગ રાત સુધી કાબૂમાં આવી નથી. આવતીકાલ સુધી  પૂર્ણ અંકુશમાં આવે તેવી શક્યતા છે. આ ગોદામની બાજુમાં ખાનગી કન્ટેનર યાર્ડ છે. આ ખાલી કન્ટેનરોને દૂર કરવાની દોડધામ થઇ હતી. ઘટના બાદ મુંદરા મામલતદાર કલ્પનાબેન ગોંદિયાએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનાં ચોક્કસ કારણો હજુ સામે આવ્યા નથી. ઘટનાને લઇને સંબંધિત તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વીજવાયરના શોર્ટ સર્કિટના લીધે આગ લાગ્યાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. સદ્નસીબે કોઇ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી. જો કે, ગોડાઉનમાં મોટું આર્થિક નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, કરોડોનાં વિકાસકામોના દાવા કરતી મુંદરા-બારોઇ નગરપાલિકા હજુ સુધી ફાયરફાઇટર પણ લઇ શકી નથી, જ્યારે જ્યારે આગ લાગે ત્યારે આગ બુઝાવવા મુંદરા તાલુકાની કંપનીના ફાયરફાઇટરો પર આધાર રાખવો પડે છે, જે નગરપાલિકા માટે શરમજનક બાબત હોવાનું નગરજનોમાં ચર્ચાઇ રહ્યું છે. 

Panchang

dd