નખત્રાણા, તા. 28 : ચોમાસું નજીક આવતાં ગ્રામ્ય
વિસ્તારોમાં દેશી નળિયાવાળાં જૂનાં મકાનોમાં વરસાદનાં પાણીના ચુવાકથી રક્ષવા મકાનોની
સંચરામણી (મરંમત) કરાવવામાં લોકો પરોવાયેલા જોવા મળે છે. શ્રીમંત લોકોના બંગલા અને
સામાન્ય વર્ગના લોકો માટીના દેશી નળિયા અથવા માંગરોળી મકાન બનાવી રહેતા તથા આદિવાસી
પશુપાલક પરિવારો શણ-માટીના ભૂંગા બનાવી રહેતા, પરંતુ બદલાયેલા વર્તમાન સમયમાં પાકી છતવાળા મકાનમાં રહેતા હોવાથી નળિયા સંચારવાનું
કામ ઘટવા લાગ્યું છે અને કુંભારોએ પણ દેશી નળિયા બનાવવાનું ઓછું કરી દેતાં નખત્રાણાના
ગ્રામ્ય વિસ્તારોમાં સંચારિયા કારીગરો હાલે ખાસ રહ્યા નથી. પ્રખર તાપમાં પણ દેશી નળિયાવાળાં
મકાનની ઠંડક લોકોને રાહત આપે છે. સંચારિયા કારીગરો મકાન ઉપર ચઢી એકોએક નળિયા સાફ કરી,
ઢાંકણિયાની બરાબર ગોઠવણી કરી ગોઠવવાની મજૂરી લે છે, પરંતુ કારીગર-માલની અછતના લીધે નળિયા કાઢી લોકો સિમેન્ટવાળાં પતરાં ચડાવે છે,
તેવું સંચારિયા કારીગર પ્રભુલાલ વાળંદ (દેવીસર)એ જણાવ્યું હતું.