વવાર (તા. મુંદરા), તા. 18 : મુંદરા-ગાંધીધામ
હાઈ-વે ભદ્રેશ્વર પાસેનો લાંબા અને સાંકડા પુલને ગાંડા બાવળો ઘેરી રહ્યા છે. કોઈ અનિચ્છનીય
ઘટના બને તે પૂર્વે જવાબદાર તંત્ર દ્વારા સત્વરે ઉકેલ લાવવા માંગ કરાઈ હતી. નાના વાહનોથી
સતત ધમધમતા આ રસ્તા પરથી પેસેન્જર વાહનો મોટી સંખ્યામાં પસાર થાય છે. એક તો સાંકડો
પુલ તેમાંય સામસામે જો બે મોટા વાહનો આવી જાય તો અકસ્માતને નોતરું છે. આ પુલ પર રખડતા
ઢોર પણ બેઠેલા હોય છે ત્યારે વધુ જોખમરૂપ બને છે. જાગૃત નાગરિકોએ રોષ વ્યક્ત કરતાં
જણાવ્યું હતું કે, આ પુલ બહુ જૂનો છે, નીચેથી બહુ મોટી નદી પસાર થઈ રહી
છે. આ પુલ પર ગંભીર અકસ્માતની ભીતિ વ્યક્ત કરાઈ હતી. આ રસ્તો ફોરલેન થાય ત્યારે પુલ
પણ થઈ જશે તેવા પ્રત્યુત્તર સામે ફોરલેન બને ત્યાં સુધી આ જર્જરિત હાલતમાં પુલને ઘેરી
રહેલા ગાંડા બાવળો કાપવા ખાસ માંગ ઊઠી હતી. આ વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીઓ તેમજ રોડ પર મોટી
ઈન્ડસ્ટ્રીઓ આવી ગઈ છે. એટલે મોટા વાહનોની અવરજવર પણ વધી છે. ભદ્રેશ્વરમાં સ્કૂલો,
મેડિકલ સેવાઓ માટે ગામડાના નાના વાહનોની અવર-જવર સતત ચાલુ જ હોય છે.
રાત્રે તો આ પુલ પરથી પસાર થવું અતિ જોખમરૂપ બને છે. પુલ પર આવી ગયેલા ગાંડા બાવળો
અકસ્માતને નોતરું છે. ગંભીર સમસ્યા ધ્યાને લઈ જવાબદાર તંત્રના અધિકારીઓ દ્વારા યોગ્ય
ઉકેલ લાવવા જાગૃત નાગરિકો દ્વારા માંગ ઊઠી હતી.