નવી
દિલ્હી,
તા.18 : આઇપીએલ-2026 સીઝનમાં પ્લેઓફમાં પહોંચનારી
આરસીબી પહેલી ટીમ બની છે. હવે પ્લેઓફ રાઉન્ડમાં 3 સ્થાન ખાલી છે અને આ
માટે 7 ટીમ
દાવેદાર છે. ગઈકાલની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સ સામે જીત મેળવી
તેની રહી-સહી આશા જીવંત રાખી છે. આરસીબી 13 મેચમાં 18 અંક
સાથે ટોચ પર છે અને ટાઇટન્સ 13 મેચમાં 16 અંક સાથે બીજા નંબર પર છે.
બન્ને ટીમના એક-એક લીગ મેચ બાકી છે. આથી આરસીબી પાસે 20 અંક
સુધી પહોંચવાની અને ટાઇટન્સ પાસે 18 અંક સુધી પહોંચવાની તક છે. આ
સ્થિતિમાં બન્ને ટીમ ટોચની બે ટીમ બની પ્લેઓફમાં પહોંચી શકે છે. સનરાઇઝર્સનાં
ખાતામાં 12 મેચમાં
14 અંક
છે. બાકીની બન્ને મેચમાં જીત મેળવે તો 18 પોઇન્ટ સુધી પહોંચી શકે છે.
જેથી તેની પણ પ્લેઓફ ટિકિટ બૂક થઈ જશે. જો એક મેચ હારશે તો મામલો ગૂંચવાશે.
રાજસ્થાનને ગઈકાલની મેચમાં દિલ્હી સામે હાર મળી હતી. તે ઉપરાઉપરી 3 મેચ
હારી 12 પોઇન્ટ
પર અટકી ગઇ છે. તેના હાથમાં હવે બે મેચ છે. મંગળવારે રાજસ્થાન સામે જો લખનઉ વિજય
મેળવશે તો સીએસકેની તક વધી જશે. જો કે આ માટે તેણે આજની મેચમાં સનરાઇઝર્સને હાર
આપવી પડશે. સીએસકે જો બાકીની બન્ને મેચમાં જીત મેળવશે તો તે 16 પોઇન્ટ
સુધી પહોંચી શકે છે. આ સ્થિતિમાં તેણે બીજી ટીમના પરિણામ પર નિર્ભર રહેવું પડશે.
સૌથી વિકટ સ્થિતિ પંજાબ કિંગ્સની છે. એક સમયે સતત 6 જીત અને એક અનિર્ણિત
મેચથી 13 અંક
સાથે ટોચ પર બિરાજમાન શ્રેયસ અય્યર ટીમ સીઝનની અધવચ્ચે ગોથું ખાઈ ગઈ છે. હવે સળંગ 6 હાર
પછી તેનું પ્લેઓફ પ્રવેશનું સપનું ચકનાચૂર થઈ શકે છે. હાલ તેનાં ખાતામાં 13 પોઇન્ટ
છે અને એક મેચ બાકી છે. જે લખનઉ સામે છે. તેમાં જીત મળે પછી તેની સ્થિતિ સ્પષ્ટ
થશે. આ માટે પંજાબે બીજી ટીમના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. દિલ્હી અને કોલકતાના
12 અને
11 અંક
છે અને બે-બે મેચ બાકી છે. તેમના માટે પ્લેઓફની રાહ ઘણી કઠિન છે, પણ રેસની બહાર થઈ નથી.