મુંબઈ, તા. 18 : અફઘાનિસ્તાન સામે ટીમ ઇન્ડિયા જૂનના પ્રારંભે
એક ટેસ્ટ મેચ અને ત્રણ વન ડે મેચની શ્રેણી રમશે. તે માટેની ટીમની જાહેરાત આવતીકાલે
મંગળવારે થશે. આ શ્રેણીમાં અનેક યુવા ખેલાડીને તક મળવાની સંભાવના છે.
ભારત-અફઘાનિસ્તાન સામેનો એકમાત્ર ટેસ્ટ 6 જૂનથી ન્યૂ ચંદિગઢ ખાતે રમાવાની
છે. રિપોર્ટ અનુસાર ટેસ્ટ ફોર્મેટમાં ઋષભ પંતનું ઉપકપ્તાન પદ લગભગ છીનવાશે. તેનાં
સ્થાને યુવા ઓપનિંગ બેટર યશસ્વી જયસ્વાલ ઉપકપ્તાન બની શકે છે. બુમરાહને વિશ્રામ
અપાશે અને તેના સ્થાને જમ્મુ - કાશ્મીરના ઝડપી બોલર આકિબ નબી ડારને મોકો મળી શકે
છે. ટેસ્ટ ટીમમાં કર્ણાટકના દેવદત્ત પડીક્કલને ફરી એકવાર તક મળી શકે છે. તે હાલ
આઇપીએલમાં આરસીબી તરફથી સારા ફોર્મમાં રમી રહ્યો છે. વન ડે સિરિઝમાં ડોમેસ્ટિક
ક્રિકેટમાં દિલ્હી તરફથી રમી રહેલા પ્રિંસ યાદવને તક મળવાની સંભાવના છે. તેણે
આઇપીએલમાં લખનઉ તરફથી પ્રભાવશાળી દેખાવ કરી પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે. વન
ડે ટીમમાંથી યશસ્વી જયસ્વાલનું પત્તંy કપાશે અને તેનાં સ્થાને ઇશાન
કિશન સામેલ થઈ શકે છે. તે અગાઉ વન ડેમાં બેવડી સદી ફટકારી ચૂક્યો છે. શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડયા, કે એલ રાહુલ, વિરાટ કોહલી, નીતિશકુમાર
રેડ્ડી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ
કૃષ્ણા, કુલદીપ યાદવની પસંદગી નિશ્ચિત માનવામાં આવી રહી છે.
ટેસ્ટ અને વન ડે ટીમનું સુકાન ફરી શુભમન ગિલને સોંપવામાં આવશે. રોહિત શર્માનો
ફિટનેસના આધારે વન ડે ટીમમાં સમાવેશ કરાશે. બીસીસીઆઇના પસંદગીકારો 1પ
વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશી પર ચાંપતી નજર રાખી રહ્યા છે. તેને ટીમ ઇન્ડિયામાં
સામેલ કરવા માટે હજુ થોડો સમય લેવા માગે છે. આથી તેની પસંદગી ઇન્ડિયા એ ટીમમાં કરી
છે.