કોટડા (ચ.), તા. 18 : ભુજ તાલુકાના શેખપીર
ચોકડી નજીક રવિવાર સાંજથી સોમવાર સાંજ સુધી ભારે ટ્રાફિકજામ સર્જાતાં હજારો વાહનચાલક
મુશ્કેલીમાં મુકાયા હતા. મળતી માહિતી મુજબ શેખપીર હાઈવે પર એક ક્રેન રસ્તા વચ્ચે જ
બંધ હાલતમાં પડયું રહેતાં વાહન વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો હતો. બીજી તરફ ભુજ-ભચાઉ
હાઈવે પર ચાલી રહેલા માર્ગ નિર્માણના ગોકળગતિ કામને કારણે વાહનોની અવરજવર અત્યંત ધીમી
બની ગઈ હતી. પરિણામે ટ્રકો, બસો તેમજ નાના વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને અનેક લોકોને ગરમી વચ્ચે
કલાકો સુધી રસ્તા પર અટવાઈ રહેવું પડયું હતું. આ વચ્ચે શેખપીર ચોકડી આસપાસ આવેલા પેટ્રોલપંપો
પર ડીઝલ ભરાવવા માટે પણ વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. ટ્રાફિકજામ, માર્ગ નિર્માણ કાર્ય અને પેટ્રોલપંપો પર ઊભેલી ભારે ભીડને કારણે સમગ્ર વિસ્તાર
સાંજના સમયે ચક્કાજામ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો હતો. સ્થાનિક લોકો અને વાહનચાલકોએ
તંત્ર સામે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, 24 કલાક ધમધમતા આ હાઈવે પર માર્ગ નિર્માણ કામગીરી ઝડપી
ગતિએ પૂર્ણ થવી જોઈએ તેમજ રસ્તા વચ્ચે બંધ પડેલાં ક્રેનને તાત્કાલિક હટાવવાની જરૂર
છે. વાહનચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે કે,
તંત્ર વહેલી તકે જાગૃત બની ટ્રાફિક વ્યવસ્થા સૂચારુ બનાવે, પેટ્રોલપંપો નજીક ટ્રાફિક નિયંત્રણ માટે ખાસ વ્યવસ્થા ગોઠવે અને હાઈવે સંપૂર્ણ
રીતે ખુલ્લો કરવામાં આવે જેથી લોકોને વધુ હાલાકીનો સામનો ન કરવો પડે.